બજેટ બેઠકમાં વી.એસ.હોસ્પિટલના કૌભાંડ ખુલ્યાં, દવા રીસર્ચના નામે ડોકટરોના ખાતામાં ૩૫ લાખ જમા કરાતા હોવાનો આક્ષેપ
એથિકલ કમિટીનું અસ્તિત્વ છે કે કેમ એ અંગે મેયરને પુછતાં મેયરે અકળાઈને કહયુ, સુધારા ઉપર ચર્ચા કરો
અમદાવાદ,સોમવાર,24
ફેબ્રુ,2025
મ્યુનિસિપલ કોર્પોરેશનની બે દિવસની બજેટ બેઠક સોમવારે શરુ
થઈ હતી. બેઠકમાં પહેલા દિવસે વી.એસ.હોસ્પિટલના કૌભાંડ ખુલતા શાસકપક્ષ સકંજામાં આવી
ગયો હતો. કોંગ્રેસના ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ વી.એસ.હોસ્પિટલમાં
દવાના એક વખત રીસર્ચ કરવાના નામે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને અન્ય ડોકટરોના
ખાતામાં ૩૦થી ૩૫ લાખ રુપિયા જમા કરાતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.આ મામલે
વિજિલન્સ તપાસ કરાવવા પણ માંગણી કરી હતી.હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને
લઈ હોસ્પિટલમાં એથિકલ કમિટીનું અસ્તિત્વ છે કે કેમ એ અંગે પોઈન્ટ ઓફ ઓર્ડરથી
મેયરને પુછતાં મેયરે અકળાઈને કહયુ,તમે
સુધારા ઉપર ચર્ચા કરો.
વી.એસ.હોસ્પિટલના વર્ષ-૨૦૨૫-૨૬ના બજેટ ઉપર ચર્ચા હાથ ધરાઈ
હતી.આ સમયે વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે ચાર વર્ષથી વી.એસ.હોસ્પિટલ નવી બનાવવાની
તમે જાહેરાત કરો છો.આજે ખરેખર કહી દો કે,હોસ્પિટલ
નવી બનાવશો કે નહીં? એ સમયે
પૂર્વ મેયર શાસકપક્ષના બચાવમાં આવ્યા હતા.પૂર્વ મેયરે કહયુ,એલ.જી., શારદાબેન
હોસ્પિટલની સાથે વી.એસ.હોસ્પિટલના બિલ્ડિંગને પણ નવુ બનાવવા ૨૦ હજાર ચોરસમીટર
જગ્યા નકકી કરી પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો હતો.પરંતુ હાલ કોર્ટ મેટર ચાલી
રહી છે.દરમિયાન કોંગ્રેસના ચાંદખેડા વોર્ડના કોર્પોરેટરે હોસ્ટેલમાં રહી અભ્યાસ
કરતી વિદ્યાર્થીનીઓ પરમીશન વગર બહાર નીકળતી હોવાની રજૂઆત કરતા વી.એસ.હોસ્પિટલમાં એથિકલ કમિટી છે ખરી?એવો સીધો પ્રશ્ન
તેમણે વી.એસ.વ્યવસ્થાપક મંડળના અધ્યક્ષ અને મેયર પ્રતિભા જૈનને કરતા મેયર ઉપરાંત
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. એક તબકકે મેયરે આ
જવાબ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર,
હેલ્થ-હોસ્પિટલ આપશે એવી જાહેરાત કર્યા પછી જવાબ આપવાનુ ટાળી દેવાતા
કોંગ્રેસના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો.મેયરે જવાબ મળશે એવી ખાત્રી આપ્યા પછી
કોંગ્રેસના કોર્પોરેટરે કહયુ,
શરમજનક બાબત એ છે કે,
ગૃહના અધ્યક્ષ અને વી.એસ.બોર્ડના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને અંધારામાં
રાખીને વી.એસ.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને અન્ય કેટલાક ડોકટરો ભેગા મળીને
ફાર્મસી કંપનીઓ દ્વારા બનાવવામા આવતી વિવિધ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતી
દવાઓનુ રીસર્ચ હોસ્પિટલમાં કરે છે એટલુ જ નહીં એક વખત રીસર્ચ કરવાના રુપિયા૩૦થી ૩૫
લાખ રુપિયા ઘરભેગા પણ કરે છે. ગંભીર આક્ષેપ કરાયા પછી પણ ભાજપના કોઈ હોદ્દેદાર
જવાબ આપી શકયા નહતા.
૫૦૦ વિદ્યાર્થીનીઓની રસોઈ મલટી પરપઝ વર્કરની મદદથી કરાવાય
છે
વી.એસ.હોસ્પિટલ સંલગ્ન મેડીકલને લગતા વિવિધ કોર્સ ચલાવવામાં
આવે છે.વિવિધ અભ્યાસક્રમમા ૫૦૦
વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.હોસ્પિટલ જયારે સંપૂર્ણ રીતે ચાલતી હતી એ સમયે નવ
રસોઈયા રસોઈ બનાવતા હતા.હાલમાં માત્ર એક રસોઈયો છે.૫૦૦ લોકોની રસોઈ એક વ્યકિત
બનાવી ના શકે એ માટે હેલ્થ વિભાગમાં મલટી પરપઝ વર્કર તરીકે ફરજ બજાવનારા દસ
કર્મચારીઓને રસોઈયાની મદદ માટે મોકલતા હોવાનો આક્ષેપ ચાંદખેડા વોર્ડના કોર્પોરેટરે
કરી પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન હેઠળ હોસ્પિટલમાં હાલ કેટલા રસોઈયા છે તેની માહીતી
માંગતા માહીતી આપવામાં આવી નહતી.