Get The App

પારદર્શી વહીવટ આપવાની ગુલબાંગ છતાં દસ વર્ષમાં AMC માં બોગસ રસીદકાંડથી લઈ ભરતીકાંડની ચાલી રહેલી ભરમાળ

રોડ તૂટવાનો કાંડ હોય કે હાટકેશ્વરબ્રિજનો વિવાદ હોય થોડા વિરોધ પછી વહીવટીતંત્ર,વિપક્ષ,સત્તાધારીપક્ષ સમજૂતી કરી લેછે

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
પારદર્શી વહીવટ આપવાની ગુલબાંગ છતાં દસ વર્ષમાં  AMC માં બોગસ રસીદકાંડથી લઈ ભરતીકાંડની ચાલી રહેલી ભરમાળ 1 - image


અમદાવાદ,શનિવાર,4 જાન્યુ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પારદર્શી વહીવટ આપવાની સત્તાધારી ભાજપની ગુલબાંગ છતાં છેલ્લા દસ વર્ષમાં વી.એસ.હોસ્પિટલના બોગસ રસીદકાંડથી લઈ ટેકનિકલ સુપરવાઈઝર ભરતીકાંડ સુધીના બનાવોની હારમાળા જોવા મળી છે.વિપક્ષે શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભરતીકાંડના રાક્ષસની પ્રતિકૃતિ સાથે મેયરને આવેદનપત્ર આપી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ તૂટવાનુ કૌભાંડ હોય કે રુપિયા ૪૦ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા હાટકેશ્વરબ્રિજનું કૌભાંડ હોય.વિપક્ષ તરફથી થોડા સમય માટે દેખાવ કરવામાં આવ્યા પછી વિપક્ષ,વહીવટીતંત્ર અને સત્તાધારી પક્ષ ત્રણે અંદરઅંદર સમજૂતી કરી લેતા હોય છે.પિસાવાનું તો અંતે પ્રજાને આવતુ હોય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૨૦૦૫થી ભાજપ સત્તાસ્થાને છે.વીસ વર્ષના સમયમાં અનેક નાના-મોટા કાંડ કે કૌભાંડ પણ થયા છે.આમ છતાં કાંડ કે કૌભાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રમાં ફરજ બજાવતા કોઈ ઉચ્ચ અધિકારીને તાત્કાલિક ઘેર બેસાડી દેવામાં આવ્યા હોય એવુ મ્યુનિસિપલ કોર્પોરેશનના દસ વર્ષના ઈતિહાસમાં બન્યુ નથી.જયારે પણ હોબાળો થાય એ સમયે નાના કર્મચારી કે અધિકારીને સસ્પેન્ડ કરી વિવાદને સમાવવા વહીવટીતંત્ર અને સત્તાધારી પક્ષ પ્રયાસ કરતા હોય છે. પછીથી વિપક્ષને પણ પાછલે બારણે બેઠક કરી સમજાવી લેવામાં આવતો હોય છે.બદલાતા સમયની તાસિર કહો અથવા ઘટતી યાદશકિત સમય જતાની સાથે બધા બધુ ભુલી જતાં હોય છે અને ફરી એકવખત ફરીથી રાબેતામુજબ કાંડ અને કૌભાંડનો સિલસિલો ચાલુ જ રહેતો હોય છે.વર્ષ-૨૦૧૩-૧૪માં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલમાં બોગસ રસીદકાંડ બહાર આવ્યુ હતુ.જે પછી મ્યુનિ.તંત્ર તરફથી માત્ર જાણવાજોગ ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.હાલ આ મામલો કેટલે પહોંચ્યો એ મુદ્દે કોઈ બોલવા પણ તૈયાર નથી.કદાચ આ પારદર્શી વહીવટની પરીભાષા હશે.

અમદાવાદ મ્યુનિ.ના દસ વર્ષના કાંડ-કૌભાંડ કયા-કયા?

વર્ષ            બનાવની ટૂંકમાં વિગત

૨૦૧૩         વી.એસ.હોસ્પિટલમાં બોગસ રસીદકાંડ

૨૦૧૬         એલ.જી.હોસ્પિટલમાં મોતીયાકાંડ

૨૦૧૬         જાન્યુઆરીમાં નગરી હોસ્પિટલમાં મોતીયાકાંડ

૨૦૧૬         બોડકદેવ સિવિક સેન્ટરમાં કેશ કૌભાંડ

૨૦૧૭         ૪૦૦ કરોડના રોડ તૂટવાનુ કૌભાંડ

૨૦૧૭         આઈ.ઓ.સી.ના બોગસ બિલ બનાવવાનુ કૌભાંડ

૨૦૧૯         આસિ.મ્યુનિ.કમિશનરની ભરતીમાં કાંડ

૨૦૨૨         પ્રોપર્ટીટેકસમાં ૨૦૦થી વધુ એન્ટ્રી ક્રેડીટ કરવાનુ કૌભાંડ

૨૦૨૩         હાટકેશ્વરબ્રિજ મામલે તત્કાલિન સીટી ઈજનેર સસ્પેન્ડ

૨૦૨૫         ટેકનિકલ સુપરવાઈઝર ભરતીકાંડ

અપીલ સબ કમિટીમાં આરોપિત કર્મચારી-અધિકારીને મામૂલી સજા કરાય છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાંડ અને કૌભાંડમાં સંડોવાયેલા કર્મચારી કે અધિકારીને સસ્પેન્ડ અથવા તો નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા પછી ફરી પાછા નોકરીમાં હાજર કરવા માટે અગાઉથી જ બધી ગોઠવણ વહીવટીતંત્ર અને સત્તાધારીપક્ષ તરફથી કરવામાં આવતી હોય છે. દયાની અરજીના ઓઠા હેઠળ આક્ષેપિત કર્મચારી કે અધિકારી પાસેથી દયાની અરજી મંગાવી અપીલ સબ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવતી હોય છે.દર ત્રણ મહિને મળતી આ કમિટીની બેઠકમાં આવા કર્મચારી કે અધિકારીને એક કે બે ઈન્ક્રીમેન્ટ કાપવા જેવી મામૂલી સજા કરી  ફરીથી નોકરીમાં અગાઉ તે જે જગ્યાએ ફરજ બજાવતા હોય છે ત્યાં હાજર કરી દેવામાં આવતા હોય છે.                

AMC

Google NewsGoogle News