હાર્દિકે કહેલું કે, 'BJP એક એવું વોશિંગ મશીન છે જેમાં નેતા પર લાગેલા કોઈ પણ પ્રકારના ડાઘ...'
- ભૂતકાળમાં હાર્દિક પટેલે અમિત શાહને જનરલ ડાયરની ઉપાધિ આપી હતી
અમદાવાદ, તા. 02 જૂન 2022, ગુરૂવાર
પાટીદાર અનામત આંદોલન દ્વારા જાહેર જીવનમાં આવનારો હાર્દિક પટેલ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છે તે હવે નક્કી થઈ ગયું છે. ભાજપ દ્વારા પણ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. હાર્દિક આજે સવારે 09:00 કલાકે પોતાના ઘરે દુર્ગા પૂજા કર્યા બાદ સ્વામીનારાયણ મંદિર જઈને પૂજા કરવાનો છે.
ત્યાર બાદ હાર્દિક આજે 11:00 વાગ્યે ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે પહોંચીને પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરવાનો છે. ભાજપના કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાર્દિકને સદસ્યતા અપાવશે અને હાર્દિકના રાજકીય જીવનનો નવો અધ્યાય શરૂ થશે.
વધુ વાંચોઃ હાર્દિક પટેલ પર નારાજ પાટીદારો હુમલો કરી શકે તેવા ઇનપુટ પોલીસને મળ્યા
2014થી જાહેર જીવનનો આરંભ
રાજકીય કારકિર્દીમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહેલા હાર્દિકે એક રીતે વર્ષ 2014માં પોતાના જાહેર જીવનનો આરંભ કર્યો હતો. તે સમયે હાર્દિક પાટીદાર સંગઠન સરદાર પટેલ ગ્રુપ સાથે જોડાયો હતો. આ ગ્રુપે જ આગળ જતા પાટીદાર અનામતની માગણી સાથે આંદોલન શરૂ કર્યું હતું.
સરદાર પટેલ ગ્રુપે વર્ષ 2015માં પાટીદાર અનામતની માગણી સાથે વિસનગરમાં પહેલી રેલી કાઢી હતી. તે રેલીમાં સામેલ હાર્દિક પટેલ અને અન્ય લોકો પર ભાજપના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાનો આરોપ લાગ્યો હતો. કોર્ટે તે મામલે હાર્દિકને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી. જોકે હાર્દિક સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને સર્વોચ્ય અદાલતે સજા પર રોક લગાવી દીધી હતી.
સુરતની રેલી દ્વારા ચર્ચામાં આવ્યો હતો હાર્દિક
વિસનગરની રેલી બાદ હાર્દિકનું નામ સામે આવ્યું હતું પરંતુ સુરતની રેલી બાદ તે વધુ લાઈમલાઈટમાં આવ્યો હતો. સરદાર પટેલ ગ્રુપના બેનર અંતર્ગત યોજાયેલી તે રેલીમાં 3 લાખ કરતા પણ વધારે લોકો જોડાયા હતા અને ત્યાંથી જ પાટીદાર અનામતની માગણી સાથે આંદોલન દ્વારા ચર્ચિત બનેલા હાર્દિક પટેલની નેતા બનવાની સફર શરૂ થઈ હતી.
હાર્દિકે 25 ઓગષ્ટ 2015ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે એક ક્રાંતિ રેલીને સંબોધિત કરી હતી જેમાં 5 લાખથી વધારે લોકો એકઠા થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તે વખતે હાર્દિકે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પોતે કાર્યક્રમમાં ન આવે ત્યાં સુધી પોતે ત્યાંથી હલશે નહીં તેમ જાહેર કર્યું હતું.
અમિત શાહને જનરલ ડાયર કહેલા
GMDC ગ્રાઉન્ડ ખાતે ઉશ્કેરાયેલી પોલીસે રાતના સમયે લાઠીચાર્જ કર્યો ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં પાટીદાર આંદોલનની આગ ભડકી ઉઠી હતી. રાજ્યમાં આશરે 500 જેટલી હિંસક ઘટનાઓ બની હતી જેમાં પાટીદાર સમાજના 14 યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ હાર્દિક પટેલ અને અન્ય આંદોલનકારીઓ વિરૂદ્ધ રાજદ્રોહના કેસ પણ દાખલ થયા હતા.
આંદોલન બાદ અમિત શાહ પોતે પાટીદારોને મનાવવા માટે પહોંચ્યા હતા. જોકે પાટીદાર યુવાનોએ અમિત શાહનો વિરોધ કર્યો હતો અને હાર્દિક પટેલે તો અમિત શાહને જનરલ ડાયરની ઉપાધિ આપી દીધી હતી. આ બધા કારણોસર આનંદીબેન પટેલે 2017ની ચૂંટણી પહેલા રાજીનામુ આપવું પડ્યું હતું અને વિજય રૂપાણીને નવા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.
વિજય રૂપાણીએ અનામત આયોગ બનાવવાની સાથે જ આંદોલન દરમિયાન પાટીદારો વિરૂદ્ધ જે કેસ દાખલ કરવામાં આવેલા તેને પાછા ખેંચવાની પણ જાહેરાત કરી દીધી હતી. જોકે 2017ની ચૂંટણીમાં પાટીદાર મત વહેંચાઈ ગયા હતા અને ભાજપ 100 બેઠકનો આંકડો પણ પાર નહોતો કરી શકી. ઉલ્લેખનીય છે કે, પ્રદેશમાં પાટીદાર મતદારોની સંખ્યા 17 ટકા જેટલી છે.
2019ની ચૂંટણી પહેલા 'પંજો' પકડ્યો
ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની મુલાકાત થઈ હતી. કોંગ્રેસે કપિલ સિબ્બલને મોકલીને કઈ રીતે પાટીદાર સમાજ માટે બંધારણને અનુરૂપ અનામતની વ્યવસ્થા કરી શકાય તે અંગે પણ ચર્ચા કરી હતી. જોકે ત્યાં સુધીમાં હાર્દિકે પોતાની જાતને પાટીદાર નેતા તરીકે સ્થાપિત કરી દીધી હતી પરંતુ તે સક્રિય રાજકારણથી દૂર હતો. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પહેલા હાર્દિક કોંગ્રેસમાં જોડાયો હતો. પાર્ટીએ યુવાન નેતા હાર્દિક પટેલને 2020માં સૌથી નાની ઉંમરના કાર્યકારી અધ્યક્ષ બનાવીને એક મહત્વની જવાબદારી સોંપી દીધી હતી.
BJP સામે હાર્દિકની આક્રમકતા
હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં નંબર-2નું પદ મળ્યું તે સાથે જ હાર્દિક ભાજપ સામે આક્રમક અંદાજમાં મેદાનમાં આવી ગયો હતો. તેણે ભાજપના દિગ્ગજ નેતાઓ વિરૂદ્ધ પણ ખુલીને વાક્ પ્રહારો કર્યા હતા. હાર્દિકે કોંગ્રેસ છોડીને ભાજપમાં જનારા નેતાઓ માટે પણ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, ભાજપ એક એવું વોશિંગ મશીન છે જેમાં નેતા પર લાગેલા કોઈ પણ પ્રકારના ડાઘ ધોવાઈ જાય છે. ત્યારે હવે હાર્દિક પોતે પણ ભાજપના એ જ વોશિંગ મશીનમાં જઈ રહ્યો છે. કદાચ હાર્દિક પણ ઈચ્છી રહ્યો હશે કે, તેના પર લાગેલા ડાઘા અને કાયદાકીય કેસ ધોવાઈ જાય.