દરિયાપુરમાં પોતાના સગાભાઇ સહિત ત્રણ શખ્સોએ યુવકને ઘરમાં પૂરીને માર માર્યો
યુવકે સગાભાઇ સહિત ત્રણ શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી
અમદાવાદ
અમદાવાદના દરિયાપુરમાં યુવકને તેના ભાઇ અને બે શખ્સોએ નજીવી બાબતમાં ઘરમાં પૂરીને સાંકળ વડે માર માર્યો હતો. બૂમાબૂમ થતા ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે યુવકે સગાભાઇ અને બે શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
ભાઈએ જ પોતાના ભાઈને ફટકાર્યો
ઘોડાસરમાં રહેતા વિશાલભાઇ ખત્રી ભંડેરીપોળમાં આવેલ ઘરમાં પેપર પ્રિન્ટીંગનું કામકાજ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં ગત 1 એપ્રિલે તેઓ ભંડેરીપોળના ઘરે હાજર હતા ત્યારે તેમનો નાનો ભાઇ નેવિલ અને તેની સાથે અન્ય બે શખ્સો પણ આવ્યા હતા અને દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ નેવિલે કહ્યુ કે પ્રિન્ટીંગ મશીન બંધ કર મારે વાત કરવી છે. તેમ કહેતા વિશાલે કહ્યુ કે મારે બહુ જ કામ છે તારે જે વાત કરવી હોય તે કર અને દરવાજો ખોલવાની વાત કરતા દરવાજો ખોલ્યો ન હતો.
જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી
તે સમયે અન્ય બે શખ્સોએ વિશાલને પકડી રાખ્યો અને નેવિલે સાંકળ વડે વિશાલને માર માર્યો હતો. જેથી બૂમાબૂમ થતા ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જ્યારે નેવિલે બહાર ક્યાંય મળીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વિશાલે પોતાના ભાઇ નેવિલ અને અન્ય બે શખ્સો સામે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.