Get The App

અમદાવાદના વસ્ત્રાલ RTO ખાતે હેડ કલાર્કે 1 કરોડ 83 લાખની ઉચાપત કરી

Updated: Apr 11th, 2022


Google NewsGoogle News
અમદાવાદના વસ્ત્રાલ RTO ખાતે હેડ કલાર્કે 1 કરોડ 83 લાખની ઉચાપત કરી 1 - image


- એમ. એન. પ્રજાપતિને વર્ષ 2018થી હેડ ક્લાર્ક તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી

અમદાવાદ, તા. 11 એપ્રિલ 2022, સોમવાર 

અમદાવાદના વસ્ત્રાલ RTOના હેડ કલાર્કે છેલ્લા 4 વર્ષમાં ઓફિસમાં આવતા ચલણના રૂપિયા સરકારી તિજોરી ભરવાના બદલે ઘરે લઈ જઈને 1.83 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. આ અંગે જાણ થતાં ક્લાર્ક સામે રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હેડ ક્લાર્કે વસ્ત્રાલ RTOઓમાં વર્ષ 2019થી 2022ના સમયગાળા દરમિયાન ચલણના રૂ. 1.83 કરોડ સરકારી તિજોરીમાં નહોતા ભર્યા. આ અંગે તપાસમાં ભાંડો ફૂટતા પૈસા ભરી દેવાની બાંહેધરી આપ્યા બાદ 94.14 લાખ રૂપિયા પાછા આપ્યા અને બાકીના રૂ. 89 લાખ પરત ન કરતા હેડ કર્લાક એમ. એન. પ્રજાપતિ વિરૂધ્ધ ARTO કનકસિંહ પરમારે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની ઘટના એવી છે કે, વસ્ત્રાલ RTO કચેરી ખાતે વાહનોના રજીસ્ટ્રેશન ટેક્સ, ટ્રાન્સપોર્ટ વાહનોના 6 માસિક, વાર્ષિક ટેક્સ વગેરે પ્રકારના ટેક્સની રકમ અને સરકારી ફીનું કલેક્શન લેવાનું હોય છે. તે જમા લીધેલ નાણા પેટે પાવતીઓ આપી સદર જમા થયેલ નાણાં દરરોજ સાંજે સરકારમાં ચલણથી જમા કરાવવાના હોવાથી આ નાણા SBI બ્રાન્ચમાં જમા થાય છે. જે સંબંધેની વસ્ત્રાલ ખાતેની કચેરીએથી થતી કામગીરી માટે સીનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા એમ. એન. પ્રજાપતિને હેડ ક્લાર્ક તરીકેની કામગીરી વર્ષ 2018થી સોંપવામાં આવી હતી. એમ. એન. પ્રજાપતિએ આ કામગીરી દરમિયાન RTOમાં થતી આવકમાં ઘટાડો થતાં વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ વસ્ત્રાલ RTOમાં ઈન્સ્પેકશન કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. પ્રજાપતિએ રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરવાની બાંહેધરી આપ્યા બાદ તેણે ટુકડે-ટુકડે રૂ. 94.14 લાખ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા હતાં, જયારે બાકીના રૂ. 89 લાખ જમા નહીં કરાવી ઉચાપત કરતા તેમની સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.


Google NewsGoogle News