અમદાવાદમાં તસ્કરો બેફામ, ગેસ કટરથી ATM મશીન તોડી 10 લાખથી વધુની રકમની ચોરી કરી
એક શખ્સે ATM મશીનની કેબિનમાં લાગેલા CCTV પર સ્પ્રે માર્યો અને બીજાએ મશીન તોડી રોકડ ચોરી
અમદાવાદઃ શહેરમાં પોલીસ કમિશ્નર કહે છે ચોરી અને સાયબર ક્રાઈમ સિવાય અન્ય ગુનાઓ કાબુમાં છે. ત્યારે શહેરમાં તસ્કરો બેફામ બન્યાં છે. શહેરમાં માત્ર ગણતરીની મિનીટોમાં જ ગેસ કટરથી ATM મશીન તોડીને 10 લાખથી વધુ રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયાં હતાં. જે ગેસ કટરથી ATM મશીન તોડ્યું હતું તે ગેસ કટર અને ગેસની બોટલ ATMમાં મુકીને ભાગી ગયા હતાં. તસ્કરોએ CCTVથી બચવા માટે કેમેરા પર સ્પ્રે મારી દીધો હતો. પોલીસે ATM ચોરી મામલે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ઇન્ડસ્ બેંકના ATMમાં 2 શખ્સો ગેસનો બાટલો અને કટર સાથે પ્રવેશ્યા હતાં. તેમણે ચોરી કરતા CCTV કેમેરામાં કેદ ના થવાય તે માટે CCTV કેમેરા પર સ્પ્રે છાંટી દીધું હતું અને ત્યાર બાદ ATM મશીનને ગેસ કટરથી કાપીને મશીનમાં રહેલા રોકડ રૂપિયા લઈ ગેસ કટર અને બાટલો મુકીને તસ્કરો નાસી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસને પહેલાં CCTV માં દેખાય છે કે, બે માંથી એક શખ્સ મોઢે રૂમાલ બાંધી ATM માં રહેલ CCTV ને સ્પ્રે મારે છે. અન્ય શખ્સ ગેસ કટર લઈ ATMમાં આવીને ATM મશીનને તોડી રોકડ રૂપિયા લઈ ફરાર થઈ જાય છે.
પોલીસે પ્રાથમિક તપાસમા તસ્કરો અન્ય રાજ્યના હોય અને બેંકના ATM ની રેકી કરીને ચોરીને અંજામ આપ્યો હોવાની શક્યતા વ્યક્ત કરી છે. ઇન્ડસ્ બેંકના ATMની બહાર સિક્યુરિટી ગાર્ડ નહીં હોવાથી તસ્કરો ગણતરીની મિનિટોમાં ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. એટલું જ નહીં 4 દિવસ પહેલા જ આ ATM મશીનમાં 15 લાખ રૂપિયાની રોકડ ભરવામાં આવી હતી. તસ્કરો રેકી કરીને ચોરીને અંજામ આપ્યો હોવાની શકયતાને લઈને પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે .