મ્યુનિ.કમિશનર સાથેની બેઠકમાં ઢોર ત્રાસ અંકુશ વિભાગના અધિકારી કામગીરીની વિગત આપી ના શકયા
આખા વર્ષની નહીં, એક સપ્તાહમાં વિભાગે શું કામગીરી કરી એની વિગત કમિશનરે માંગી હતી
અમદાવાદ,બુધવાર,6 ડીસેમ્બર,2023
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠકમાં ઢોર ત્રાસ
અંકુશ વિભાગના અધિકારી વિભાગે કરેલી કામગીરીની વિગત આપી શકયા નહોતા.ઢોર ત્રાસ
અંકુશ વિભાગે કરેલી કામગીરી અંગે કમિશનરે પુછતા વિભાગના અધિકારીએ વર્ષની શરુઆતથી
વિગત આપવાનુ શરુ કરતા મ્યુનિ.કમિશનર અકળાયા હતા.તેમણે અધિકારીને આખા વર્ષની નહીં
પરંતુ એક સપ્તાહમાં તમારા વિભાગે શું કામગીરી કરી એની વિગત આપો એમ કહેવાની ફરજ પડી
હતી.
મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં
મ્યુનિ.તંત્રના અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં ઢોર ત્રાસ અંકુશ વિભાગના
ઉપરી અધિકારી પાસેથી તેમના વિભાગે કરેલી કામગીરીની વિગત માંગી હતી.આ સમયે
સી.એન.સી.ડી.વિભાગના અધિકારીએ આ વર્ષની શરુઆતથી તેમના વિભાગે કરેલી કામગીરીનુ
પ્રેઝન્ટેશન બતાવવાનુ શરુ કરતા કમિશનર અકળાયા હતા.કમિશનરે આ અધિકારીને કહયુ, દર વખતે તમે એકના
એક આંકડા ના બતાવો.એક સપ્તાહમાં તમારા વિભાગે શું કામગીરી કરી એ અંગે વિગત આપો. મંગળવારે
ગ્યાસપુર ખાતે ના વાઈરલ થયેલા વિડિયો સંદર્ભમાં બેઠકમાં કોઈ ચર્ચા કરવામાં આવી
નહીં હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.દરમિયાન બેઠકમાં હાજર અન્ય એક
ઝોનના અધિકારીને તેમના ઝોનમાં બે કે ત્રણ સ્થળે ગાર્બેજ ડમ્પ થયેલો પડેલો હોવા
છતાં ઉપાડવામાં આવ્યો ના હોવા અંગે કમિશનરે પુછતા અધિકારીએ તેમના ઝોનમાં વોલ ટુ
વોલ રોડ નહી હોવા અંગે દલીલ કરતા કમિશનરે કહયુ,તમને ગાર્બેજ દુર કરાવવા કહેવામાં આવ્યુ છે.શહેરના ભરચક
ટ્રાફિકવાળા દસ રસ્તા આઈડેન્ટીફાય કરી આ રસ્તાઓ ઉપર ટ્રાફિક સમસ્યા કેવી રીતે હળવી કરી શકાય એ
બાબતે પ્લાનિંગ કરવા અધિકારીઓને સુચના આપી હતી.