લીવ એન્કેશમેન્ટ એ પગાર સમાન, કર્મચારીને તેનાથી વંચિત ન રખાય: ગુજરાત હાઈકોર્ટનું ફરમાન
Gujarat High Court Order: ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, કર્મચારીની લીવ એન્કેશમેન્ટ (રજા રોકડ રકમ) એ પગાર સમાન અને મિલ્કત કહેવાય. તેનાથી તેને વંચિત રાખવા એ વ્યકિતના બંધારણીય અધિકારનો ભંગ સમાન કહેવાય. નિવૃત્ત કર્મચારીઓને રજા રોકડની રકમ ચૂકવી આપવા અંગેના લેબર કોર્ટના હુકમને પડકારતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિટ અરજી હાઇકોર્ટના જસ્ટિસ મોક્ષા કે. ઠક્કરે ફગાવી દીધી હતી.
'લેબર કોર્ટે નિવૃત્ત કર્મચારીઓની તરફેણમાં એવોર્ડ આપવામાં ભૂલ કરી છે'
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, 'અમ્યુકોના નિવૃત્ત કર્મચારીઓના દાવો ખુદ કોર્પોરેશન દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્ર પર આધારિત છે. તેથી એવું ના કહી શકાય કે, લેબર કોર્ટે નિવૃત્ત કર્મચારીઓની તરફેણમાં એવોર્ડ આપવામાં ભૂલ કરી છે. લીવ એન્કેશમેન્ટ(રજા રોકડ) એ વતન સમાન છે, જે મિલ્કત છે અને માન્ય વૈધાનિક જોગવાઇ વિના વ્યકિતને તેની મિલ્કતથી વંચિત રાખવું એ બંધારણીય જોગવાઇના ઉલ્લંઘન સમાન છે.'
ગુજરાત હાઇકોર્ટેના જણાવ્યાનુસાર,'જો કોઇ કર્મચારીએ રજા મેળવી હોય અને કર્મચારીએ તેની ઉપાર્જિત રજા તેના ક્રેડિટમાં જમા કરવાનું પસંદ કર્યુ હોય તો રોકડ રકમ તેનો અધિકાર બની જાય છે. કોઈપણ સત્તાની ગેરહાજરીમાં અરજદાર કોર્પોરેશન દ્વારા તે અધિકારનું ઉલ્લંઘન કરી શકાય નહીં.'
લેબર કોર્ટે અમ્યુકોના નિવૃત્ત કર્મચારીને 1,63,620 રૂપિયાની રજા રોકડની રકમ ચૂકવી આપવા હુકમ કર્યો હતો. કોર્ટે અમ્યુકોને રૂ.1000 દંડ પણ કર્યો હતો. આ હુકમથી નારાજ થઇ અમ્યુકો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરાઇ હતી. પ્રતિવાદી કર્મચારી તરફથી અરજીનો વિરોધ કરતાં જણાવાયું કે, 'લીવ એન્કેશમેન્ટ એ કર્મચારીનો અધિકાર છે અને એ તેની હક્ક રજાનું રોકડ સ્વરૂપમાં ચૂકવણી કરવા સત્તાવાળાઓ બંધાયેલા છે. કોર્પોરેશન કોઇપણ વાજબી કે તાર્કિક કારણ વિના તે ચૂકવવાનો ઇનકાકર કરી શકે નહીં.'