અમદાવાદમાં આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ બેઠક, રાહુલ-સોનિયા ગાંધી રહેશે ઉપસ્થિત
Important Congress Meeting In April : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું આગામી અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ ગુજરાતના અમાદાવાદમાં યોજાશે. આ બેઠકમાં દેશભરમાંથી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC)ના પ્રતિનિધિ હાઈકમાન્ડ સાથે ઉપસ્થિત રહેશે. AICCના પ્રભારી અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે આજે રવિવારે નિવેદન આપીને સમગ્ર મામલે જાણકારી આપી છે. AICCની બેઠકમાં ભવિષ્યમાં પાર્ટીની કાર્યવાહીને લઈને રૂપરેખા તૈયાર કરાશે.
આગામી 8-9 એપ્રિલે AICCનું અધિવેશન થશે
કેસી વેણુગોપાલે કહ્યું કે, 'ગુજરાતમાં આગામી 8-9 એપ્રિલે AICCનું અધિવેશન થશે. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં AICCના પ્રતિનિધિઓ આવશે. જેઓ ભાજપની જનવિરોધી નીતિથી ઉત્પન થતાં પડકારો અને બંધારણના મુલ્યો પર થઈ રહેલા હુમલાને લઈને ચર્ચા કરવામાં આવશે. આ સાથે ભવિષ્યમાં પાર્ટીની કામગીરીને લઈને માળખુ તૈયાર કરાશે.'
સોશિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના તમામ મુખ્યમંત્રી રહેશે હાજર
અમદાવાદમાં અધિવેશન સત્રની શરૂઆત 5 એપ્રિલે વિસ્તારિત કોંગ્રેસ કાર્યસમિતિ (CWC) બેઠક યોજાશે. આ બંને બેઠકોની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે, બેઠકમાં કોંગ્રેસ સંસદ દળના અધ્યક્ષ ભાગ લેશે. જેમાં સોનિયા ગાંધી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રી, રાષ્ટ્રીય પદાધિકારી, વરિષ્ઠ પાર્ટીના નેતા અને અન્ય પ્રતિનિધિઓ સામેલ થશે.
મહાત્મા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલું એકમાત્ર કોંગ્રેસનું અધિવેશન
આ AICC સત્ર બેલગામ વિસ્તૃત CWC મીટિંગમાં અપનાવવામાં આવેલા ઠરાવોના ચાલુ તરીકે બોલાવવામાં આવી રહ્યું છે, જે 1924 ના INC અધિવેશનમાં મહાત્મા ગાંધીના રાષ્ટ્રપતિ પદની 100મી વર્ષગાંઠની યાદમાં યોજવામાં આવ્યું હતું. 1924 માં બેલગામ ખાતે યોજાયેલું કોંગ્રેસનું 39મું અધિવેશન મહાત્મા ગાંધીની અધ્યક્ષતામાં એકમાત્ર કોંગ્રેસનું અધિવેશન હતું. ગયા વર્ષે 26-27 ડિસેમ્બરે બેલગામ સત્ર યોજાયું હતું.
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 'મહાત્મા ગાંધી, ડૉ. ભીમરાવ આંબેડકર અને બંધારણના વારસાનું જતન, રક્ષણ અને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતને ઓળખે છે. 25 જાન્યુઆરી, 2025થી 26 જાન્યુઆરી, 2026ની વચ્ચે કોંગ્રેસ મહાત્મા ગાંધીના જન્મસ્થળ ગુજરાતમાં AICC સત્રની સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરશે તે નક્કી કરવામાં આવ્યું હતું.'
કોંગ્રેસ બંધારણ બચાવો રાષ્ટ્રીય પદયાત્રા નામથી એક વિશાલ અને રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાન શરૂ કરશે. કેસી વેણુગોપાલે એક નિવેદનમાં કહ્યું કે, 'આગામી સત્ર ફક્ત મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ માટે એક પ્લેટફોર્મ તરીકે જ નહીં, પરંતુ સામાન્ય લોકોની ચિંતાઓને સંબોધવા અને સામાન્ય માણસને એક મજબૂત, વૈકલ્પિક માર્ગ પ્રદાન કરવા માટે કોંગ્રેસ પાર્ટીના સામૂહિક સંકલ્પને પણ પુનઃપુષ્ટિ આપશે.'