Get The App

મેઘરાજાએ નથી લીધી વિદાય, ભારે વરસાદની આગાહીથી ખેલૈયા-ગરબા આયોજકો ચિંતામાં

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
મેઘરાજાએ નથી લીધી વિદાય, ભારે વરસાદની આગાહીથી ખેલૈયા-ગરબા આયોજકો ચિંતામાં 1 - image


IMD Forecast : નવરાત્રિના તહેવાર વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 13 ઑક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આગાહીને પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી છે.

આજે ગુરુવારે રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલી, ખાંભા, સાવરકુંડલા, ભાવનગર, મહુવા, કચ્છ- ભૂજ, માંડવી, અબડાસા, વલસાડમાં વરસાદ ખાબક્યો છે. વલસાડમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો છે, સુરતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો.

છેલ્લા 24 કલાકમાં 54 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ડાંગના આહવામાં 101 મિ.મી., સુરતના ઉમરપાડામાં 73 મિ.મી., ભરૂચ નેત્રંગમાં 22 મિ.મી., નવસારીના ખેરગામ અને નર્મદાના ડેડિયાપાળામાં 21 મિ.મી. વરસાદ ખાબક્યો છે.

આવતી કાલે આ જિલ્લામાં યલો ઍલર્ટ

રાજ્યમાં આગામી 16 ઑક્ટોબર સુધી વરસાદની આગાહી છે, ત્યારે આવતી કાલે (11 ઑક્ટોબરે) સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : કચ્છના માતાના મઢનો પત્રીવિધિ પૂજા વિવાદ, જાણો હાઈકોર્ટે કોને આપી પત્રીવિધિ કરવાની મંજૂરી

12-13 ઑક્ટોબરની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 12-13 ઑક્ટોબરે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિત સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમેરલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 13 ઑક્ટોબરે દેવભૂમિ દ્વારકામાં પણ યલો ઍલર્ટ છે. આ સિવાયના જિલ્લામાં વરસાદની કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી.

મેઘરાજાએ નથી લીધી વિદાય, ભારે વરસાદની આગાહીથી ખેલૈયા-ગરબા આયોજકો ચિંતામાં 2 - image

14 ઑક્ટોબરની આગાહી

રાજ્યમાં ચોમાસાના અંતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે, ત્યારે 14 ઑક્ટોબરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ રહેશે. જેમાં આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

મેઘરાજાએ નથી લીધી વિદાય, ભારે વરસાદની આગાહીથી ખેલૈયા-ગરબા આયોજકો ચિંતામાં 3 - image

આ પણ વાંચો : ભાયલી સામુહિક દુષ્કર્મ કેસ: આરોપીઓ વધુ 4 દિવસ રિમાન્ડ પર, હુમલાની બીકે આરોપીઓને વેનમાં પૂરી રખાયા

જ્યારે જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.

15-16 ઑક્ટોબરની આગાહી

15 ઑક્ટોબરે ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 16 ઑક્ટોબરે વલસાડ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળો ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે.

મેઘરાજાએ નથી લીધી વિદાય, ભારે વરસાદની આગાહીથી ખેલૈયા-ગરબા આયોજકો ચિંતામાં 4 - image


Google NewsGoogle News