અમદાવાદના સરખેજમાં બુલડોઝર કાર્યવાહી, લિસ્ટેડ બુટલેગરના ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા
Gujarat Crime: અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક મચાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. ત્યારબાદ જાણે રાજ્યની પોલીસ સફાળા જાગી હોય તેમ રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું મિશન શરૂ કર્યુ છે. DGPના આદેશ બાદ તમામ ગુનેગારોના ઘર અને ગેરકાયદે દબાણો દૂર કરવા બુલડોઝરની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુરૂવારે (20મી માર્ચ) સરખેજમાં લિસ્ટેડ બુટલેગરના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે.
પોલીસની હાજરીમાં ડિમોલિશન કરાયું
ગુજરાતમાં દારૂબંધી તો છે, તેમ છતાં છાશવારે રાજ્યમાં દેશી દારૂના અડ્ડા અને દારૂ પીને આતંક મચાવનારા જોવા મળતા રહે છે. જેને ડામવા માટે SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા આવા 15 બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી જાહેર કરી છે અને તેના પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. જેને પગલે આજે અમદાવાદના સરખેજમાં લિસ્ટેડ બુટલેગર બાબુ રાઠોડનું ગેરકાયદે બાંધકામ તોડી પાવામાં આવ્યું છે. આ ડિમોલિશન પોલીસની હાજરીમાં કરાયું હતું. નોંધનીય છે કે, બાબુ રાઠોડ સામે ડ્રગ્સ, મારામારી સહિત 23 ગુનાઓ નોંધાયા છે.
આ પણ વાંચો: રાજ્યમાં બે દિવસ બાદ ગરમીનો 'પારો' વધશે! જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
રાજ્યના 7612 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર
ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7612 શખ્સોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. જેમાં 3264 બુટલેગરો, 2149 શરીર સંબંધિત ગુનો કરનાર, 958 મિલકત સંબંધિત ગુનો કરનાર, 516 જુગારીયા અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર શખ્સોની યાદી તૈયાર કરી છે. ત્યારબાદ આ તમામ શખ્સો વૉચ રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણ, શંકાસ્પદ આર્થિક વ્યવહાર સહિતની તપાસ કરવામાં આવશે.