થર્ટી ફર્સ્ટમાં 'ટેક્નો પાર્ટી' યુવાઓની પહેલી પસંદ, અંધારાનો લાભ લઈ ડ્રગ્સનો વેપાર પણ વધ્યો
Thirty First Party: વર્ષ 2024ને વિદાય આપી નવા વર્ષ 2025ને આવકારવા પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. 'વેલકમ 2025' ના સૂત્ર સાથે યુવાઓ વર્ષની અંતિમ રાત્રિનો આનંદ માણવા તૈયારીમાં લાગી પડ્યા છે. જોકે, હવે ગાંધીનું ગુજરાત હવે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ ચૂક્યું છે ત્યારે વિદેશમાં થતી પાર્ટીને ટકકર મારે એવી પાર્ટી હવે ગૂજરાતની મેટ્રો સિટી અમદાવાદમાં થઇ રહી છે.
ગુજરાતી યુવાઓ ટેકનો પાર્ટીના દીવાના
ગુજરાતમાં પણ હવે ગોવાની જેમ નાઈટ પાર્ટીનું ચલણ વધ્યું છે. સ્ટાર હોટલ-કલબમાં યોજાતી પાર્ટી કરતાંય હવે ગુજરાતી યુવાઓ ધ ટેકનો પાર્ટી પાછળ દીવાના બન્યાં છે. અંધારામાં ડિમ લાઈટ, ટેકનો મ્યુઝિકની તાલે મસ્તીભર્યા માહોલમાં 'ટેકનો પાર્ટી' માં વર્ષની અંતિમ રાત્રિની મઝા માણવા યુવા બેતાબ બન્યા છે.
થીમ બેઝ પાર્ટી કરતા ટેકનો પાર્ટીની ડિમાન્ડ
નવા વર્ષના આગમનના પગલે અમદાવાદ શહેરની સ્ટાર હોટલ અને ક્લબમાં વિવિધ થીમ આધારિત થર્ટી ફર્સ્ટની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી, મુંબઈથી જ નહીં, કઝાકસ્તાનથી ડાન્સરો અમદાવાદ આવી પહોંચી છે. આ પાર્ટીમાં ગઝલ, ક્વીઝથી માંડી ડિનરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે થીમ બેઝ પાર્ટી કરતા ટેકનો પાર્ટીની ડિમાન્ડ છે. ઈડીએમ મ્યુઝિકની ધુન સાથે કેફેમાં યોજાતી ટેકનો પાર્ટી યુવાઓની પહેલી પસંદ છે.
અમદાવાદમાં 35થી વધુ ડાન્સ પાર્ટી
અમદાવાદમાં આજે ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, હોટેલો મળીને 35થી વધુ જગ્યાએ ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું છે. જેમાં સાયલન્ટ ડિસ્કો, નિયોન નાઈટ સહિતની વિવિધ થીમ બેઝડ ડાન્સ પાર્ટીનો સમાવેશ થાય છે. અનેક ડાન્સ પાર્ટીમાં ડિનર સહિતના આયોજનો છે.
EDM પાર્ટી એટલું શું?
ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક એટલે EDMમાં ડાન્સની ધૂન પર ભારે અવાજ સાથેનું મ્યુઝિક વગાડવામાં આવે છે. વિશાળ સંખ્યામાં એકત્ર થયેલા લોકો તેમાં ડીજેના તાલે ઝૂમે છે. ઈલેક્ટ્રોનિક મ્યુઝિકના શોખીનો EDMના ખાસ ચાહકો હોય છે.
અમદાવાદ-મુંબઈની ઈવેન્ટ કંપની ટેક્નો પાર્ટીનું આયોજન કરે છે
અત્યારે ટેકનો પાર્ટીનું ચલણ વધ્યું છે. દર શનિ અને રવિવારે આ પાર્ટી યોજાઈ રહી છે. મુંબઈ-દિલ્હીની ખાસ ઇવેન્ટ કંપનીઓ આ ટેકનો પાર્ટીનું આયોજન કરે છે. આ વખતે વર્ષે નવા વર્ષની ઉજવણી માટે ટેકનો પાર્ટીમાં મદમસ્ત માહોલમાં મોજ માણવા યુવાઓ બેતાબ બન્યાં છે. મુંબઈ, દિલ્હીથી ટેકનો પાર્ટીમાં મ્યુઝિક પ્લેયર આવતાં હોય છે.
ટેકનો પાર્ટીના એડ્રેસની છેલ્લી ઘડીએ જ કરાય છે જાણ
ટેકનો પાર્ટીમાં જવુ હોય તો, એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે છે. આ એપ પર ભારતના બધાય શહેરોમાં આયોજિત ટેકનો પાર્ટીની બધી વિગતો ઉપલબ્ધ હોય છે. માત્ર અમદાવાદ સિટી સિલેક્ટ કરો એટલે પાસના ભાવથી માંડી બધી માહિતી મળી જાય છે. ઘણી પાર્ટીમાં તે બુકિંગ કરી પછી છેલ્લી ઘડીએ એડ્રેસની જાણ કરી દેવાય છે.
પાર્ટીમાં કેવી રીતે જવું તે માટે બધી વિગતો ઓનલાઈન
અમદાવાદમાં એસ. જી. હાઈવે, શીલજ, બોપલ, સરખેજ હાઇવે સહીત અન્ય સ્થળોએ આવેલા કેફે ટેકનો પાર્ટીનું આયોજન કરાયું છે. આ પાર્ટીમાં કેવી રીતે જવું તે માટે બધી વિગતો ઓનલાઈન હોય છે. વોટ્સ એપ, ફેસબુક અને વેબસાઈટ પરથી ટેકનો પાર્ટીની બધી વિગતો ઉપલબ્ધ હોય છે. ડીમ લાઈટ સાથે ટેકનો મ્યુઝિક આ પાર્ટીની ઓળખ જ છે.
રૂ. 9000 સુધી પાસનો ભાવ
રાત્રે 8 થી 12 વાગ્યા સુધી યોજાતી પાર્ટીમાં અંધારાની તક લઈ ઘણાં ડ્રગ્સનો નશો માણી લેતાં હોય છે એટલે જ ડ્રગ્સ રસિયાઓની પસંદ રહી છે. ટેકનો પાર્ટી. રૂ.500 થી માંડી 9000 સુધી પાસનો ભાવ છે. ઉલ્લેખનીય છે કે, થોડા વખત અગાઉ ગિફ્ટ સિટીમાં ટેકનો પાર્ટી યોજાઈ હતી ત્યારે ડ્રગ્સ રસિયા ઝૂમ્યા હતાં જે મુદ્દે રાજકીય પક્ષોએ હોબાળો મચાવ્યો હતો. એવા આક્ષેપ થયા હતા કે, સરકાર પાછલા બારણે આવી પાર્ટીઓને કેમ પ્રોત્સાહન આપી રહી છે? યુવાઓ પાર્ટીમાં ડ્રગ્સનો નશો કરી ડાન્સ કરતા હોય છે, દારૂ ગાંજો, કોકેઈન જેવા ડ્રગ્સ વેચવાની શક્યતા હોય છે ત્યારે શું સરકાર - પોલીસ ટેક્નો પાર્ટીઓમાં તપાસ કરે છે ખરી?
'ટેકનો પાર્ટી' ડ્રગ્સ પેડલરના નિશાના પર
ટેકનો પાર્ટી પાછળ યુવાઓની દીવાનગી રહી છે. ત્યારે આ પાર્ટી ડ્રગ્સ પેડલરના નિશાને પર હોય છે. એવું જાણવા મળ્યું છે કે, ડ્રગ્સ પેડલર જ હળવેકથી પાર્ટીમાં એન્ટ્રી કરી લે છે અને ડાન્સમાં મસ્ત યુવા સાથે સંપર્ક કરી નશો કરાવે છે અને કોઈને ખબર સુધ્ધા થતી નથી. એટલે જ ટેકનો પાર્ટીની ડિમાન્ડ છે.
અમદાવાદ-ગોવાનું એરફેર રૂ. 23,000
31 ડિસેમ્બરના અમદાવાદથી ગોવા જવાનું મહત્તમ ભાડું વધીને રૂપિયા 23,000 થઈ ગયું છે. આમ, સામાન્ય દિવસો કરતાં એરફેરમાં પાંચ ગણાથી વધુનો વધારો થયો છે. આવતીકાલે બપોર સુધી ગોવા જતી ફ્લાઇટમાં ભાડું વધારે છે. પરંતુ આ પછી ભાડા રાબેતા મુજબના છે.
માઉન્ટ આબુ, ઉદેપુર, દીવ-દમણના અનેક રીસોર્ટ્સ-હોટેલ હાઉસફૂલ
થર્ટી ફર્સ્ટને 'રોક-ટોક' વિના ઉજવવા અનેક લોકો માઉન્ટ આબુ, ઉદેપુર, દીવ- દમણ પહોંચી ગયા છે. લોકોના ધસારાને પગલે અનેક રીસોર્ટ્સના ભાડા રૂ. 50,000ને પાર થઈ ગયા છે. બીજી તરફ અનેક લોકોએ અમદાવાદની આસપાસ આવેલા ફાર્મ હાઉસમાં પાર્ટીનું પણ આયોજન કર્યું છે. ગુજરાતમાંથી થર્ટી ફર્સ્ટને ઉજવવા માટે કચ્છનું સફેદ રણ, સાપુતારા પ્રવાસીઓની પ્રથમ પસંદ છે.