દિલીપ સંઘાણીએ કહ્યું કે, 'હું કોઈનાથી ડરું તેવો નથી', તો બાબુ નસીતે રાદડિયા સામે કાર્યવાહીની કરી માંગ
IFFCO Election Politics : ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણી આજે (11 મે) રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. અહીં પર તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે મેન્ડેટ પ્રક્રિયા, સી.આર. પાટીલના નિવેદન, બિપિન ગોતાના નિવેદન અને જયેશ રાદડિયા અંગે વાત કરી હતી. તો બીજી તરફ રાદડિયા સામે કાર્યવાહી કરવાની પણ માંગ થઈ રહી છે.
વાદ નહીં, વિવાદ નહીં. એક માત્ર વિકાસની જ વાત : દિલીપ સંઘાણી
જેમાં તેમણે કહ્યું કે, 'વિકાસ સિવાય હાલ કોઈ વાત નથી. વાદ નહી વિવાદ નહીં. એક માત્ર વિકાસની જ વાત છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ અને વિકાસની જ વાત છે. પ્રધાનમંત્રી મોદીએ ગરીબો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે અને ખેડૂતો માટે અનેક યોજનાઓ છે. ખેડૂતો માટે નક્કોર કામગીરી કરવામાં આવે છે અને આવશે. જ્યાં ખામીઓ હશે તે દૂર કરીને કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકાર ચાલે.'
પહેલા મેન્ડેટ પ્રથા હતી જ નહીં : દિલીપ સંઘાણી
મેન્ડેટ પ્રથા હોવી જોઈએ કે નહીં? આ સવાલનો જવાબ આપતા સંઘાણીએ કહ્યું કે, 'પહેલા મેન્ડેટ પ્રથા હતી જ નહીં. કાયદામાં હોય તે થવું જોઈએ. હાલ એક જ ધ્યેય છે. જયેશ ભાઈના મેન્ડન્ટ લઈને પહેલા ઘણું કહેવાઈ ગયુ છે. પરંતુ પહેલા જ કીધું વાદ નહી વિવાદ નહી, એક જ વાત કોઈ વિવાદ નથી. પીએમ નરેન્દ્ર મોદીના વિઝન મુજબ વિકાસ કામ થઈ રહ્યું છે.' મહત્વનું છે કે જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી હતી.
હું કોઈનાથી ડરૂં તેઓ નથી : દિલીપ સંઘાણી
સીઆર પાટીલના નિવેદન અંગે સંઘાણીએ કહ્યું કે, 'સવારે કૉંગ્રેસમાં હોય અને સાંજે કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં હોય તો એ ઇલુ-ઇલુ નથી?. હું કોઈનાથી ડરૂં તેઓ નથી. હોદ્દા ઉપર રહેનારાઓએ મર્યાદા રાખવી જોઈએ.', જણાવી દઈએ કે, સી.આર. પાટીલે સહકારી ચૂંટણીઓ મામલે કોઈનું નામ લીધા વગર માત્ર એટલું જ કહ્યું હતું કે, 'કેટલાક લોકો સહકારી ક્ષેત્રના બહાને વિરોધી લોકો સાથે ઇલુ-ઇલુ ચલાવતા હતા. તેને બંધ કરવા માટે પક્ષે મેન્ડેટ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે.'
સહકાર ક્ષેત્રમાં પણ રાજકારણ આવી ગયું : કોંગ્રેસ પ્રવક્તા
જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે, સહકારી ક્ષેત્રમાં રાજકારણ જ ન હોવું જોઈએ. ભાજપ હોય કે કોંગ્રેસ પોતપોતાની રીતે લડવું જોઈએ. હવે સહકાર ક્ષેત્રમાં રાજકારણ આવી જ ગયું છે. ત્યારે ભાજપમાં જે પ્રમાણ વિઠ્ઠલ રાદડિયા સહકારી ક્ષેત્રના ખુબ મોટા આગેવાન કહેવાય છે. તેમનો દબદબો હતો, તેમના પુત્ર પણ સહકારી ક્ષેત્રમાં સારું કામ કરતા હતા. ઇફ્કોમાં સૌથી પહેલું ફોર્મ જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું હતું. પછી ભાજપના બિપિન ગોતાએ ફોર્મ ભર્યું હતું. ચૂંટણીમાં રસાકસી થવાની જ હતી. દિલીપ સંઘાણીએ ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. સૌરાષ્ટ્રના મત રાદડિયાને મળ્યા હતા.
રાદડિયા સામે કાર્યવાહી કરવાની માગ બાબુભાઇ નસીતની માંગ
ઈફ્કોની ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર થવા અંગે કાર્યવાહી કરવાની માગ કરાઈ રહી છે. રાજકોટ લોધીકા સંઘના આગેવાન બાબુભાઇ નસીતતે જયેશ રાદડિયાની જીત પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, 'આઘા ગુજરાતમાં સહકારી ક્ષેત્રના માંધાતાઓએ જોર લગાવ્યું. આ બિપિન પટેલની હાર નહીં, ભાજપની હાર છે. હું સી.આર.પાટીલને કહેવા માંગું છું કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે. આ 113 લોકોની ઓળખ કરવામાં આવે. મારા પર પગલા લેવાયા તેવા જ પગલા લેવાય. જયેશ રાદડિયા સામે પગલા લો. કોંગ્રેસ-ભાજપના ઇલુ-ઇલુથી મેન્ડેટ પ્રક્રિયા શરૂ થઈ છે. મલાઈ મળે એવી સંસ્થામાં જ નેતાઓ કબજો જમાવે છે. અમારી રજૂઆતો બાદ પણ કોઈ પગલા લેવાયા નથી. હાઈકોર્ટમાં ગયા તો જયેશ રાદડિયાએ પીટિશન પરત ખેંચવા કહ્યું. સહકારી સંસ્થામાં તટસ્થ રીતે તપાસ થઈ જોઈએ. અમારી સામે કાર્યવાહી કરી એવી જ રીતે આમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. સંસ્થામાં બેઠેલા હોદ્દેદારો જ ભ્રષ્ટાચાર કરે છે.'
દિલીપ સંઘાણી વિધાનસભામાં જીત્યા હોત તો સારું : બિપીન પટેલ
તો ભાજપના જ નેતા બિપીન પટેલે દિલીપ સંઘાણી અગાઉની ચૂંટણીઓમાં હાર્યા હતા તે બાબતે કટાક્ષ કર્યો હતો. બિપીન પટેલ (ગોતા)એ કહ્યું કે, 'ઇફ્કોની ચૂંટણીમાં વિજય બદલ હું રાદડિયા અને દિલીપ સંઘાણીને અભિનંદન આપું છું, પરંતુ અગાઉ જ્યારે ભાજપને મેન્ડેટ આપીને દિલીપભાઇને વિધાનસભાની ટિકિટ આપી હતી તેમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાત.'
હું ભાજપમાં જ છું : જયેશ રાદડિયા
દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, 'જયેશ રાદડિયા ભાજપના જ ધારાસભ્ય છે અને તે ભાજપ માટેનું કામ જ કરવાના છે. તો જયેશ રાદડિયાએ પણ કહ્યું, 'હું ભાજપમાં જ છું.' બીજી તરફ જયેશ રાદડિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ જામખંડોરણામાં એક સભામાં કહી રહ્યા છે કે, 'આ મારા પિતાજીએ વાવેતર કર્યું છે અને તેને લણવાનો મને પૂરેપૂરો અધિકાર છે. શું તમે બીજાકોઈને તમારી ખેતી લણવા દેશો? આ ખેતર લણવાનો માત્ર મારો જ અધિકાર છે.'
દિલીપ સંઘાણી ચેરમેન અને જયેશ રાદડિયા બન્યા ડિરેક્ટર
ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોના ડિરેક્ટર પદ માટે દિલ્હી ખાતે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ઇફ્કોના ચેરમેન પદે ફરી દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી કરવામાં આવી. તો બલવિંદર સિંહની વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ કરાઈ. બીજી તરફ ઇફ્કોમાં ખાલી પડેલા ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બે ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવેલા જયેશ રાદડિયાની ભાજપના બિપિન ગોતા સામે જીત થઈ હતી. જણાવી દઈએ કે, ઇફ્કો દર વર્ષે 60 હજારથી વધુ કરોડનું ટર્નઓવર કરે છે.