ટ્રેન મોડી પડે તો રેલવે તંત્ર જવાબદાર, ગ્રાહક કમિશનનો વળતર ચૂકવવા આદેશ
Image : Indian Railway Twitter |
Ahmedabad : અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશને એક મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમકોર્ટના પ્રસ્થાપિત સિધ્ધાંતને ટાંકતા ઠરાવ્યું હતું કે, રેલવેએ દસ્તાવેજી પુરાવાઓ દ્વારા ટ્રેનને લેટ એરાઈવલને એક્સપ્લેઈન કરવો જોઈએ અને પુરવાર કરવું જોઈએ કે, વિલંબ તેમના નિયંત્રણ બહારના સંજોગોના કારણે થયો હતો. ટ્રેનના ડિલે અને લેટ એરાઇવલ માટે રેલ્વે તંત્ર વળતર ચૂકવવા જવાબદાર ઠરે.
રિફંડ રકમ વ્યાજ સાથે ચૂકવવા રેલવેને ફરમાન
કમીશનના ઈન્ચાર્જ પ્રમુખ કે.એમ.દવે અને સભ્ય બી.જે.આચાર્યએ પાંચ કલાક ટ્રેન મોડી પડવા બદલ રેલ્વે તંત્રને જવાબદાર ઠેરવી ફરિયાદી વકીલોને ટિકિટના રિફંડ પેટે રૂપિયા 3300ની રકમ રિફંડ માટે અરજી કર્યા તારીખ 22 -8-2021થી વસૂલ આપે ત્યાં સુધી 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા રેલવે તંત્રને ફરમાન કર્યું હતું. ફરિયાદીને થયેલ માનસિક ત્રાસના રૂપિયા 5 હજાર અને ફરિયાદ ખર્ચ પેટે રૂપિયા બે હજાર મળી કુલ રૂપિયા 7 હજાર ચૂકવી આપવા પણ રેલવે સત્તાવાળાઓને હુકમ કર્યો હતો.
કમીશને રેલવે સત્તાવાળાઓ બચાવને ગ્રાહ્ય રાખ્યો ન હતો
કમીશને પોતાના ચુકાદામાં અવલોકન કરતાં જણાવ્યું કે, કોલકત્તા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પાંચ કલાક મોડી હોવાથી ફરિયાદીને જનરલ ટિકિટ લઈ અમદાવાદ આવવુ પડયુ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે અને આમ, રેલવે સત્તાવાળાઓની સેવામાં ખામી પુરવાર કરવામાં ફરિયાદી સફળ રહ્યા છે. કમીશને રેલવે સત્તાવાળાઓ તરફથી કરાયેલા બચાવને ગ્રાહ્ય રાખ્યો ન હતો. ફરિયાદ પક્ષ તરફથી ટિકિટ, ટ્રેનનું સ્ટેટસ બતાવતુ સ્ટેશનનું ડિસ્પ્લે બોર્ડનો ફોટો, ટ્રેનના લાઈવ સ્ટેટસની સ્ક્રીન શોટ, જનરલ ટિકિટની નકલ, લીગલ નોટિસ, ઈમેલ, પત્ર સહિતના પુરાવા રજૂ કર્યા હતા. જેના આધારે સમગ્ર કેસ પુરવાર થયો હતો.