Get The App

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર હશે તો જંત્રીના 200% લેખે વળતર અપાશે

ખેતરમાં ઓછી ટ્રાન્સમિશન લાઈન પસાર થાય તેની તકેદારી રાખવામાં આવશે

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર હશે તો જંત્રીના 200% લેખે વળતર અપાશે 1 - image


Gujarat News: ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાને રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતી વખતે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન સામે રાજ્યના સરકારના પ્રવર્તમાન જંત્રી દરોના 200 ટકા લેખે વળતર ચૂકવાશે. જેમાં સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારો પણ ધ્યાને લેવાશે. રાજ્ય સરકારના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને કારણે હાલમાં જે વળતર મળે છે તેમાં અંદાજે બે ગણો વધારો થશે.

ટ્રાન્સમીશન લાઈનના રૂટ નક્કી કરાશે

આ અંગે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, 'ખેડૂતની જમીન ઉપરથી પસાર થતી ટ્રાન્સમીશન લાઈનની પહોળાઈ તથા લંબાઈને ધ્યાનમાં રાખીને જમીનના વિસ્તારના 15 ટકાની જગ્યાએ 25 ટકા લેખે વળતર ચૂકવવામાં આવશે. ટ્રાન્સમિશન લાઈનના રૂટ નક્કી કરતા પહેલાં સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે જરૂરી ચર્ચા કરી, શક્ય હોય ત્યાં સુધી ખેતીની જમીનમાંથી ઓછામાં ઓછી ટ્રાન્સમિશન લાઈન પસાર થાય તેની તકેદારી પણ રાખવામાં આવશે.'

નોંધનિય છે કે, ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમીશન ટાવર સંદર્ભે ચૂકવાતા વળતરની ગુજરાત સરકારના 14મી ઓગસ્ટ 2017ના ઠરાવમાં ડિસેમ્બર 2021માં સુધારો કરી વળતરમાં વધારો કરવામાં આવ્યો હતો અને ફરી એક વાર બે વર્ષના ગાળામાં ખેડૂતોના હિતમાં વળતરમાં વધારો કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News