ડ્રગ્સનું દૂષણ ડામવામાં નહીં આવે તો લોકો ઘેર-ઘેર બંધાણી બની જશે: સેશન્સ કોર્ટ
Sessions Court Judgement : સાબરમતી રેલ્વે સ્ટેશન પરથી 23 કિલો અને 859 ગ્રામ ચરસના મોટા જથ્થા સાથે પકડાયેલા આરોપી શાહીદુલ હબીબુલ રહેમાન, મહંમદ રીઝવાન અને મોહમંદ જીસાન છોટેને સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટના જજ ભરત એલ.ચોઇથાણીએ 14-14 વર્ષની સખ્ત કેદની સજા અને એક-એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. જો કે, કોર્ટે બહુ ગંભીર અવલોકન કર્યું હતું કે, ડ્રગ્સનું દુષણને ડામવામાં નહીં આવે તો જેમ ઘણા બધા રાજયોમાં ઘરે- ઘરે એક-એક સભ્ય ડ્રગ્સના બંધાણી બની ગયેલ છે, તેમ આખા દેશમાં આ પરિસ્થિતિનું નિર્માણ થશે.
ચરસના મોટા જથ્થા સાથે પકડાયેલા ત્રણ આરોપીઓને સેશન્સ કોર્ટે 14-14 વર્ષની સજા કરી
કોર્ટે વધુમાં જણાવ્યું કે, જો આવુ જ ચાલતુ રહેશે તો, તરૂણવય, કિશોર વય અને યુવાન વયના નાગરિકો તેની આદતમાં આવી જઈ પોતાને અને ત્યારબાદ કુટુંબ- સમાજને દરેક રીતે વિનાશ તરફ દોરી જશે. માનસિક આરોગ્યના દવાખાને તથા મનોચિકિત્સકના કલીનીકમાં આવતા આવા કેસોનો અભ્યાસ કરવાથી ખબર પડી શકે છે કે ડ્રગ્સની બંધાણીઓની કેટલી ખરાબ પરિસ્થિતિ છે.
ચકચારભર્યા એવા આ કેસમાં એનસીબી તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર અખિલભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોને મળેલી બાતમીના આધારે તા.27-7-2019ના રોજ આરોપીઓ સાબરમતી રેલ્વે સ્ટેશન પર આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી આરોપી મહંમદ રીઝવાન અને મોહમંદ જીસાન છોટેની પાસેથી બે બેગમાંથી 12 પેકેટ મળી આવ્યા હતા. જેમાં 23 કિલો, 859 ગ્રામ જેટલા ચરસનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો.
આ જથ્થો તેઓને આરોપી શાહીદુલ હબીબુલ રહેમાને આપ્યો હોવાનું તપાસમાં ખૂલતાં તેને પણ ઝડપી લેવાયો હતો. આરોપીઓ સિન્ડીકેટ રચી મોટી માત્રામાં ચરસના જથ્થાની હેરાફેરી કરતા પકડાયા હોવાનું પુરવાર થાય છે. સમાજમાં હાલ ચરસ, ડ્રગ્સ સહિતના માદક પદાર્થોની હેરાફેરી અને સેવન ખૂબ વધી ગયા છે અને આવા કેસોમાં કોર્ટે સખ્તાઇથી કામ લઇ આરોપીઓને દાખલારૂપ સજા કરવી જોઇએ.
આ દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ત્રણેય આરોપીઓને 14-14 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી અને ચુકાદામાં નોંઘ્યું હતું કે, છેલ્લા થોડા વર્ષોમાં મોટા પ્રમાણમાં ઘણી બધી જગ્યાએથી જુદા જુદા પ્રકારના ડ્રગ્સની જુદી જુદી પઘ્ધતિથી એટલે કે, વાહનમાં, ટાયરો, દરિયાઈ રસ્તે, ફલાઈટ, પેટમાં છુપાવીને માદક પદાર્થોની હેરાફેરી થઈ રહી છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. જો આ બાબતે વધુ જાગરૂકતા ,સતર્કતા અને કડકાઈ દાખવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે તેમ છે. માદક પદાર્થનું સેવન થાય છે અને તેથી વેચાય છે. આ દુષણને ડામવાની અને ડ્રગ્સના કાયદાની કડક જોગવાઈઓનો વધુમાં વધુ પ્રચાર કરવાની જરૂરિયાત છે.