ગુજરાતમાં આવતા IAS કે IPS અધિકારી પબ્લિસિટી સ્ટંટ કરશે તો ફરજ મુક્ત કરાશે, ચૂંટણી પંચની તાકીદ

વિધાનસભા 2022ની ચૂંટણીમાં IAS ચૂંટણી નિરીક્ષકે સ્ટંટ કર્યો હતો

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં આવતા IAS કે IPS અધિકારી પબ્લિસિટી સ્ટંટ કરશે તો ફરજ મુક્ત કરાશે, ચૂંટણી પંચની તાકીદ 1 - image


Gujarat News : લોકસભાની ચૂંટણીમાં નિરીક્ષક બનીને ફરજ પર જતા અથવા ગુજરાતમાં આવતા આઇએએસ કે આઇપીએસ અધિકારી જો સોશ્યલ મિડીયામાં પબ્લિસિટી સ્ટંટ કરવાની પ્રવૃત્તિ કરશે તો તેમને ફરજમુક્ત કરવામાં આવશે. આવો એક દાખલો ગુજરાતમાં બન્યો હતો કે જેમાં અધિકારીને દૂર કરાયા હતા.

વિધાનસભાની 2022ની ચૂંટણીમાં IAS ચૂંટણી નિરીક્ષકે સ્ટંટ કર્યો હતો

ગુજરાતમાં 2022માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઇ હતી ત્યારે ઉત્તરપ્રદેશ કેડરના આઇએએસ અધિકારી અભિષેક સિંઘ અમદાવાદના અસારવા અને બાપુનગરમાં નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે સોશ્યલ મિડીયા હેન્ડલ પર ફોટા સાથેની એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે મને અસારવા અને બાપુનગરની બેઠક પર નિરીક્ષક તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. આ પોસ્ટમાં તેમને જે વાહન ફાળવવામાં આવ્યું હતું તેના ફોટા વાયરલ થયા હતા. આ પ્રવૃત્તિને ભારતના ચૂંટણી પંચે પબ્લિસિટી સ્ટંટ તરીકે ગણાવી તુરત જ તેમને ચૂંટણી કામગીરીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. 

ચૂંટણી પંચના આદેશનું ઉલ્લંઘન થશે તો પગલા લેવાઈ શકે

એક ફિલ્મ અભિનેતાની સ્ટાઇલમાં તેમણે આ પોસ્ટ શેર કરતાં તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા હતા. આ સંજોગોમાં ચૂંટણી પંચના આદેશનું ઉલ્લંઘન બદલ લોકસભાની ચૂંટણીમાં પણ આવી હરકતો બદલ પગલાં લેવાઇ શકે છે. ચૂંટણી પંચે તમામ અધિકારીઓને પબ્લિસિટીથી દૂર રહેવાની તાકીદ કરી છે. પંચ દ્વારા ચૂંટણી અધિકારીઓની તાજેતરની બેઠકમાં પણ આવો આદેશ આપવામાં આવ્યો છે. એ સમયે ચર્ચાઇ રહ્યું હતું કે અભિષેક સિંઘ અભિનયમાં રૃચિ ધરાવતા હતા. તેમણે વેબ સિરીઝ અને ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. ગુજરાતની આ ઘટના પછી તેઓ કોઇ ખુલાસો કર્યા વિના ગુમ થઇ જતાં ઉત્તર પ્રદેશની સરકારે તેમને સસ્પેન્ડ પણ કર્યા હતા. 

અધિકારી ભૂલ ન કરે તે માટે ચૂંટણી પંચની સાવધાની રાખવાની સૂચના 

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 35 જેટલા આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ ચૂંટણી નિરીક્ષક તરીકે અન્ય રાજ્યોમાં ફરજ બજાવવા જઇ રહ્યાં છે અને અન્ય રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ ગુજરાતમાં ચૂંટણી નિરીક્ષક તરીકે આવવાના છે ત્યારે કોઇ અધિકારી આવી ભૂલ કરે નહીં તેની સાવધાની રાખવાની સૂચના ચૂંટણી પંચે આપી છે.

ગુજરાતમાં આવતા IAS કે IPS અધિકારી પબ્લિસિટી સ્ટંટ કરશે તો ફરજ મુક્ત કરાશે, ચૂંટણી પંચની તાકીદ 2 - image


Google NewsGoogle News