રાજ્યમાં વધુ ચાર IAS-IFS અધિકારીઓની બદલી-વધારાનો હવાલો સોંપાયો
Transfer Of IAS-IFS Officers : ગુજરાતમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વધુ ચાર IAS અને IFS અધિકારીઓની બદલી અને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જેમાં ત્રણ IAS અને એક IFS અધિકારી છે. જેમાં નર્મદા-રાજપીપળા જિલ્લાના કવેડિયાના SOUADTGAના મુખ્ય વહીવટી અધિકારી, વડોદરાના ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના અધિકારી, વડોદરાના મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડના અધિકારી સહિતના IAS અને IFS અધિકારીઓની બદલી અને વધારાનો હવાલો આપવામાં આવ્યો.
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરેલા પત્ર મુજબ, નર્મદા-રાજપીપળા જિલ્લાના કવેડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ અને ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (SOUADTGA)ના મુખ્ય વહીવટી અધિકારી IAS ઉદિત અગ્રવાલની મસુરીમાં લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટ એકેડેમી (LBSNAA)ના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે ફોરેસ્ટ કેવડિયા ડિવિઝનના SOUADTGAના નાયબ વન સંરક્ષક IFS અગ્નેશ્વર વ્યાસ SOUADTGAના મુખ્ય વહીવટકર્તા અને મુખ્ય કાર્યકારી અધિકારી રોજબરોજની બાબતોનું ધ્યાન રાખશે.
આ ઉપરાંત વડોદરાના ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ના ડાયેક્ટર IAS શ્વેતા ટીઓટિયાની બદલી કરીને તેમને મસુરીની લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટ એકેડેમી (LBSNAA)માં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વડોદરાના મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર IAS તેજસ દિલીપભાઈ પરમાર ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL), વડોદરાના ડિરેક્ટર (એડમિન.) પદનો વધારાનો હવાલો સંભાળશે.