અશાંત ધારાની વિચિત્ર જોગવાઈઓને કારણે સેંકડો પરિવારો હેરાન, કાયદો ભ્રષ્ટાચારનું માધ્યમ બન્યું
Ashant Dhara Act in Ahmedabad : કોટ સહિત શહેરના અનેક વિસ્તારોમાં લાગુ કરાયેલ અશાંત ધારાના કેટલાક નિયમો લોકોને સલામતી આપવાના બદલે તેમના માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે. જેમાં વારસાગત મિલકત ટ્રાન્સફર કરવા માટે તેમજ હિન્દુ સામે બીજા હિન્દુને અથવા મુસ્લિમ સામે બીજા મુસ્લિમને મિલકત વેચે તો પણ મંજૂરી લેવી ફરજિયાત હોઈ લોકો બિનજરૂરી કાયદાકીય પળોજણમાં અટવાઈ રહ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારમાં તો એક જ ધર્મના લોકો રહેતા હોય અને અશાંતિ ન હોવા છતાં કાયદો લાગુ કરી તેનો દુરુપયોગ કરાતો હોવાની ફરિયાદ સરકારમાં કરાઈ છે.
મંજૂરીની પ્રક્રિયામાં વિલંબ
કોટ સહિત અમદાવાદના મણિનગર, પાલડી, બાપુનગર જેવા કેટલાક વિસ્તારોમાં વર્ષોથી અંશાત ધારા લાગુ હોઈ બદલાતા સમય અને સમીકરણો સાથે આ નિયમો લોકોને સલામતી આપવાના બદલે હવે તેમની માટે માથાનો દુઃખાવો બની રહ્યા છે. હાલના કાયદા મુજબ વારસાગત રીતે પિતાને પુત્ર, પુત્રી, પત્ની, પરિવારના કોઈ સભ્ય તથા સંબંધીના નામે મિલકત ટ્રાન્સફર કરવી હોય તો પણ પોલીસ તેમજ કલેક્ટરની મંજૂરી લેવી પડે છે. તેમજ કોઈ હિન્દુ સામે બીજા હિન્દુને તથા મુસ્લિમ સામે બીજા મુસ્લિમને જ મકાન વેચવા ઇચ્છતા હોય તો પણ વિવિધ પરવાનગીઓ લેવી પડે છે.
ઉપરાંત એવા વિસ્તારો જ્યાં ખરેખર કોઈ એક જ ધર્મના લોકો રહે છે, અને આસપાસ દોઢેક કિ.મી.માં બીજા ધર્મના લોકો રહેતા નથી, ત્યાં પણ જરૂર વગર અશાંત ધારા લાગુ કરી કાયદાનો દુરુપયોગ કરાઈ રહ્યો હોવાની રાવ ઉઠી છે. મંજૂરીઓ લેવાની જટિલ પ્રક્રિયામાં મહિનાઓ લાગી જાય છે. ઉપરાંત વધારાના દસ્તાવેજો માટે લોકોને ધક્કા ખાવા પડે છે. કેટલાક ભ્રષ્ટ તત્ત્વો દ્વારા ફાઇલ આગળ વધારવા તથા મંજૂરી આપવા વધારાના પૈસા પડાવાતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. જેથી સલામતીના બદલે કાયદો ભ્રષ્ટાચારનું માધ્યમ બની જતા સમયને અનુરૂપ નિયમોમાં સુધારો કરવા માંગ ઉઠી છે.
વગદાર તત્ત્વોને કોઈ કાયદો નડતો નથી!
છટકબારીઓનો ગેરલાભ લઈ અશાંત વિસ્તારોમાં પણ છૂપી રીતે મકાન, અને દુકાનોની લે-વેચ થતી હોવાનું જોવા મળે છે. માથાભારે તત્ત્વો યેનકેન પ્રકારે અધિકારીઓ પાસેથી વેચાણ માટે અરજીઓ મંજૂર કરાવી દે છે. કાયદો હોવો સારી બાબત છે, પરંતુ સમયાંતરે તેની છટકબારીઓ શોધી તેમાં સુધારા કરાય તો લોકોને બિનજરૂરી કાયદાકીય પીંજણમાંથી આંશિક રાહત મળી શકે છે.