કરોડો રૂપિયાની જમીન ભાજપના મોટા માથાઓને વેચી દીધાનો આક્ષેપ

સસરાએ જમાઇની કરોડોની જમીન પચાવી પાડવાનો મામલો

છેતરપિંડીના કેસના આરોપી કાંતિભાઇ સરદારધામમાં ટ્રસ્ટી હોવાની સાથે રાજકીય ધરોબો ધરાવતા હોવાથી જમીનના સોદા પાર પાડી દીધાનો આક્ષેપ

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
કરોડો રૂપિયાની જમીન ભાજપના મોટા માથાઓને વેચી દીધાનો આક્ષેપ 1 - image

અમદાવાદ,ગુરૂવાર

શહેરના પાલડી વિસ્તારમાં રહેતા યુવકે તેની પત્ની , સસરા સહિત ચાર લોકો વિરૂદ્ધ ખોટા દસ્તાવેજો કરીને જમીન પચાવી લીધાના મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં યુવકના સસરા કાંતિભાઇ પટેલ સરદારધામમાં ટ્રસ્ટી તરીકે હોવાની  તેમણે ભાજપના મોટા નેતાઓ સાથે સંબધ ધરાવતા હોવાથી  બનાવટી દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાની જમીન ભાજપના નેતાઓને વેચી દીધી હતી. એટલુ જ નહી બે વર્ષ  સુધી સતત રજૂઆત કરવા છતાંય, પોલીસે કોઇ કાર્યવાહી ન કરતા છેવટે કોર્ટમાં દાદ માંગતા કોર્ટે પુરાવાના આધારે ક્રિમીનલ પ્રોસીઝર રિપોર્ટ કરીને ગુનો પોલીસને આદેશ કરતા ગુનો નોંધવામાં આવ્યો હતો. પાલડી ધરણીધર જૈન દેરાસર પાસે આવેલા યોગેશ્વર નગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઇ પટેલે તેના સસરા કાંતિભાઇ પટેલ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ પાલડી પોલીસ મથકે નોંધવામાં આવી છે.જેમાં  વર્ષ ૨૦૧૮માં વિરેન્દ્રભાઇ પટેલ ઓસ્ટ્રલિયામાં હોવા છતાંય, તેમની બનાવટી સહી કરીને ભાગીદારમાંથી રીટાયર્ડમેન્ટ ડીડનો બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યો હતો.

જેને નોટરાઇઝ્ડ કર્યા વિના અસલ દસ્તાવેજ તરીકે માન્ય ગણાવીને સમગ્ર છેતરપિંડી આચરવામાં આવી હતી. તો બીજી તરફ  કાંતિભાઇએ અન્ય આરોપીઓ સાથે મળીને  ૨૦૧૯માં બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરી હતી. જેમાં વિરેન્દ્રભાઇ પટેલની  બનાવટી સહી કરીને કરોડો રૂપિયાની જમીનનો હક હિસ્સો જતો કરવાનું લખાણ કરીને જમીનો ભોગવટો કાંતિભાઇ પટેલ અને ગોપી પટેલને સોંપાયાનું લખાણ કરાયું હતું. આમ, ૨૦૧૮માં વિરેન્દ્રભાઇના નામે રીટાયર્ડમેન્ટ ડીડ બનાવી જ્યારે ૨૦૧૯માં વિરેન્દ્રભાઇની પાવર ઓફ એટર્ની બનાવી હતી. \ત્યારબાદ આ અનનોટોરાઇઝ્ડ દસ્તાવેજને આધારે વર્ષ ૨૦૨૩માં કરોડો રૂપિયાની જમીન ભાજપના મોટા માથાઓને વેચી હતી. જેમાં તકરારી હોવા છતાંય, મામલતદારે સરકારના દબાણમાં આવીને  ખોટા દસ્તાવેજને કાયદેસરનો ગણીને જમીનના સોદાની એન્ટ્રી કરી હતી. સાથેસાથે આ કૌભાંડમાં કલેક્ટર કચેરીના અધિકારીઓને સંડોવણીની શક્યતા છે. આ અંગે કોર્ટમાં ન્યાય માટે દાદ માંગતા કોર્ટે સીગ્નેચર એક્સપર્ટ સહિતના તમામ પુરાવા ધ્યાનમાં લઇને  ક્રિમીનલ પ્રો. કોડની કલમ ૧૫૬ (૩)નો  રિપોર્ટ કરીને કાંતિભાઇ અને અન્ય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવાનો હુકમ કરતા પાલડી પોલીસે ગુનો નોંધ્યો હતો.


Google NewsGoogle News