અમદાવાદના રિંગ રોડ પરની હોટલો-કેફે બન્યા નશેડીઓના અડ્ડા, અહીં પોલીસ લેશે એક્શન?
Ahmedabad Police Night Combing Drama : અમદાવાદ પોલીસને અચાનક નાઇટ કોમ્બિંગનું ભૂત સવાર થયું છે. અત્યાર સુધીમાં 4000થી વધુ વાહનો જપ્ત કર્યા છે, જ્યારે 53 લાખનો દંડ વસૂલ્યો તો બીજી તરફ 1000થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસ દાખલ કર્યા છે. જો કે અમદાવાદ શહેરની ફરતે આવેલો રિંગ રોડ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયો છે, અહીં આવેલા કેફે-હોટલો જાણે કોઇ બાર હોય એવું લાગે છે અને છતાં અહીં પોલીસ નિષ્ક્રિય છે. રિંગ રોડ પર અનેક હોટલોની બહાર દારૂની બોટલો અને બિયર કેન જોવા મળે છે. અહીં બતાવેલી તસવીર માત્ર એક હોટલનું ઉદાહરણ છે. અમે માત્ર કોઇ એક હોટલ કે કેફેની વાત કરી નથી કરતા, પરંતુ રિંગ રોડ પર આવેલી અનેક હોટલો બહાર તમને આવા દ્રશ્યો જોવા મળી શકે છે.
રિંગ રોડની -કેફે અસામાજિક તત્ત્વોનો અડ્ડો
રિંગ રોડ પર ચોતરફર આવેલી હોટલો અને કેફે આખી રાત ધમધમે છે. આ સ્થળો જાણે સામાજિક તત્ત્વોનો અડ્ડો છે. અહીં નશેડીઓનો બિનધાસ્ત અડ્ડો જામે છે, જેથી ઘણીવાર પરિવાર સાથે ફરવા નીકળેલા લોકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ લોકો 10-12 લોકોના ગ્રૂપમાં ટોળારૂપે હોય છે અને મોડી રાત સુધી અભદ્ર હરકતો અને ગાળાગાળી કરતા જોવા મળે છે.
અહીં ક્યારે એક્શન લેશે પોલીસ
શહેરના રિંગ રોડ પર આવેલી હોટલોની બહાર ગાડીઓ પાર્ક કરીને પણ આ તત્ત્વો નશો કરતા હોય છે. વાત દારૂ કે બિયર પૂરતી નથી. આવા જ દ્રશ્યો ઝુંડાલ-વૈષ્ણૌદેવી રિંગ રોડ પર આવેલી એક હોટલની બહાર પણ જોવા મળે છે, પરંતુ પોલીસને આ અસામાજિક તત્ત્વો કેમ દેખાતા નથી? માત્ર નાઇટ કોમ્બિંગના નાટકના નામે પરિવાર સાથે કામે નીકળેલા લોકોને મેમો ફાડી ઇમાનદારીપૂર્વક ડ્યૂટી બજાવતા હોવાનો દંભ કરતા જોવા મળે છે.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડ પછી સરકાર સફાળી જાગી, હવે કાયદાનો કડક અમલ કરાવવાનું નાટક
નાઇટ કોમ્બિંગના નાટકથી નાગરિકોમાં રોષ
કોમ્બિંગ નાઇટમાં તમામ પોલીસ સ્ટેશનને ઓછામાં ઓછા 100 મેમો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યા છે. હાજર દંડ વસૂલાતનો વિકલ્પ હોવા છતાં આરટીઓનો મેમો આપવાના જ આદેશનો અણઘડ રીતે અમલ કરવા મેદાને પડેલી પોલીસની વર્તણૂકથી લોકો રોષે છે. પોલીસ અને આરટીઓ વચ્ચે તાલમેલના અભાવે આરટીઓમાં સવારથી દંડ ભરવા માટે લાઇનો લાગી જાય છે. પોલીસે જનહિત માટેની કામગીરીને જાણે જનતા વિરોધી ઝુંબેશ હોય તેવી બનાવી દીધાનો આક્રોશ સામાન્ય નાગરિકોમાં ફેલાઈ રહ્યો છે.
ચીલઝડપના બનાવો વધ્યા
રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં અવારનવાર ચોરી-લૂંટ અને ચેઇન સ્નેચિંગના કિસ્સા સામે આવે છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજના વૉક પર નીકળેલી મહિલાઓના મોબાઇલ ઝૂંટવી લેવાના કે ચેઇન સ્નેચિંગની ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી
અમદાવાદમાં ગુનાખોરી વધતા કાયદો અને વ્યવસ્થાને લઇને અનેક પ્રશ્નો ઊભા થયા જ છે. પોલીસ ચોપડે જે બનાવો નોંધાય છે તે માત્ર ગણ્યાગાંઠ્યા છે. મોટાભાગની નાની-મોટી ચોરી, લૂંટ અને મારામારી ઘટનાઓની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાતી જ નથી. શહેરમાં દુષણ ફેલાવતા અસામાજિક તત્ત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તો ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે.