રાજ્યની સરકારી કચેરીઓના સીસીટીવી સુરક્ષાની સમીક્ષા કરવા સુચના અપાઇ
સીસીટીવી હેક કરવાના મામલે ગૃહ વિભાગ એલર્ટ
સીસીટીવી સર્વિસ પ્રોવાઇડર્સને ચકાસણી બાદ સરકારના વિભાગને વિવિધ સુચનો સાથે ખામી દુર કરવા કહેવાયું
અમદાવાદ,ગુરૂવાર
રાજકોટની ખાનગી હોસ્પિટલના સીસીટીવી હેક કરીને ફુટેજ વાયરલ કરવાનું કૌભાંડ સામે આવ્યા બાદ રાજ્યનું ગૃહવિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. જે અનુસંધાનમાં રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં આવેલા સીસીટીવીની સુરક્ષા અંગે સમીક્ષા કરીને ખામી દુર કરવા માટે સુચના આપવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર સિવાયના અન્ય શહેરોની સરકારી કચેરીઓના સીસીટીવી નેટવર્કમાં સિક્યોરીટીને લઇને અનેક ખામી હોવાનુ પણ ધ્યાનમાં આવ્યું છે. દેશની વિવિધ હોસ્પિટલ, કોર્પોરેટ હાઉસ, જાહેર સ્થળો તેમજ સરકારી કચેરીઓના સીસીટીવી હેક કરીને ફુટેજ વાયરલ કરવાનું કૌભાંડ સામે આવ્યા બાદ રાજ્યની વિવિધ સરકારી કચેરીઓના સીસીટીવી ફુટેજની સુરક્ષાને લઇને પણ અનેક સવાલ ઉભા થયા હતા. કારણ કે સાયબર ક્રાઇમના નિષ્ણાંતોએ રિપોર્ટ આપ્યો હતો કે અનેક સરકારી કેચેરીઓના સીસીટીવી અપુરતી સુરક્ષા છે.
જે બાબતને ગંભીરતાથી લઇને રાજ્યના ગૃહવિભાગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મીટીંગ કરીને રાજ્યના તમામ શહેરોમાં આવેલી વિવિઘ વિભાગની કચેરીઓના સીસીટીવી અંગે સુરક્ષાની સમીક્ષા કરવાની સુચના આપી હતી. જે અનુસંધાનમાં વિવિધ જિલ્લાના સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓ અને તેમની સાથે સંકળાયેલા સાયબર એક્સપર્ટને સાથે રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં સીસીટીવી સર્વિસ પ્રોવાઇડરને સુરક્ષાના તમામ માપદંડ પ્રમાણે સમીક્ષા કરવા માટે સુચના અપાઇ છે.
સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ અને ગાંધીનગર સિવાય રાજ્યના મોટાભાગના શહેરો અને જિલ્લાઓની સરકારી કચેરીમાં રહેલા સીસીટીવીની સુરક્ષામાં ખામી જોવા મળી હતી. ખાસ કરીને તેને લાઇવ ફીડ સિક્યોર નહોતી અને સોફ્ટવેર પણ અપડેટ નહોતા. ત્યારે સીસીટીવી નેટવર્કને સુરક્ષિત કરવા માટે નિષ્ણાંતોની ટીમ સક્રિય થઇ છે.