Get The App

HMPV એલર્ટ : અમદાવાદની સ્કૂલોમાં માસ્ક ફરજિયાત, સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ આઈસોલેશન વોર્ડ

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
HMPV એલર્ટ : અમદાવાદની સ્કૂલોમાં માસ્ક ફરજિયાત, સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ આઈસોલેશન વોર્ડ 1 - image


Ahmedabad Schools and Civil Hospital : ચીન બાદ ભારતમાં પણ HMPV (હ્યુમન મેટાન્યૂમો વાઈરસ) ફેલાઈ રહ્યો છે, ગુજરાતમાંથી પણ એક કેસ સામે આવતાં લોકો ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ત્યારે સિવિલ હોસિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ અમદાવાદની કેટલીક શાળાઓમાં સેફ્ટીના ભાગરૂપે ગાઇડલાઇન તૈયાર કરી માસ્ક ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. જો વિદ્યાર્થીઓમાં શરદી-ખાંસીના લક્ષણો દેખાય તો વાલીઓને શાળાએ ન મોકલવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઇ સત્તાવાર ગાઇડનલાઇન જાહેર કરવામાં આવી નથી. 

કોરોના બાદ વધુ એક વાયરસે ચીનમાંથી ભારતમાં એન્ટ્રી કરી છે. બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુ અને ગુજરાતમાંથી કેસ સામે આવ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ વાઈરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂરી છે. ત્યારે અમદાવાદની કેટલીક શાળાઓમાં સાવચેતીના ભાગરૂપે જાતે જ ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્કની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓને સૂચના આપવામાં આવી છે કે જો તમારા બાળકને શરદી-ખાંસીના લક્ષણો જણાય શાળાએ મોકલવા નહી. જેથી અન્ય બાળકોને ચેપ લાગે નહી. એટલું જ નહી સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને શરદી-ખાંસીના લક્ષણો જોવા મળે તો તેમને ઘરે મોકલી દેવામાં આવે છે. 

આ પણ વાંચો : ચીનના HMPV વાઈરસનો પહેલો કેસ, માહિતી છુપાવનારી અમદાવાદની હૉસ્પિટલને નોટિસ

સિવિલ હોસ્પિટલમાં 15 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંભવિત એચ.એમ.પી.વી.વાઈરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી સિવિલ સત્તાવાળાઓ દ્વારા 15 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દવા, સ્ટાફ, ટેસ્ટિંગ કિટ વગેરેની વ્યવસ્થા કરવમાં આવી છે. આ ઉપરાંત તમામ જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઓક્સિજન માટેની પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે.


શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું જોઈએ?

•જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિશ્યુથી ઢાંકવું જોઈએ.

•નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવો.

• ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યકિતઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું

•તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.

•વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લેવો.

•પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.

•બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.

•શ્વસનને લગતાં લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ના કરવું જોઈએ?

• જરૂરી ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં.

•સંક્રમિત વ્યક્તિએ પોતાની ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો અન્ય વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.

•જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

HMPV નવો વાઈરસ નથી

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ એચએમપીવી કોઈ નવો વાઈરસ નથી. અગાઉ તેની ઓળખ વર્ષ 2001માં થઈ હતી અને તે વર્ષોથી વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે, એચએમપીવી સંક્રમિત દર્દીઓને ભાગ્યે જ હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે, તેથી આ વાઈરસથી ગભરાવાની જરૂર નથી.

ભારતમાં 2003માં પહેલીવાર વાઈરસની પુષ્ટી થઈ હતી

ભારતમાં 2003માં પ્રથમ વખત એચએમપીવી વાઈરસની પુષ્ટિ થઈ હતી. બી. જે. મેડિકલ કૉલેજ અને NIV પૂણેએ પૂણેમાં જ પહેલું બાળક સંક્રમિત થયું હોવાની પુષ્ટિ કરી હતી. પછીના ઘણાં અભ્યાસોમાં પણ આ વાઈરસના કેસો નોંધાયા હતા. 2024માં ગોરખપુરમાં શ્વસન રોગથી પીડિત 100 બાળકોમાંથી 4 ટકામાં એચએમપીવીના લક્ષણો જોવા મળ્યા હતા.

2001માં પ્રથમ કેસ નોંધાયો હતો

આ વાઈરસનો પ્રથમ કેસ વર્ષ 2001માં પહેલીવાર સામે આવ્યો હતો. પરંતુ હવે આ વાઈરસને લઈને હાલત ગંભીર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વાઈરસને લઈને કોઈ ખાસ રસી કે એન્ટીવાઈરસ હજુ સુધી શોધાઈ નથી. ગંભીર કિસ્સાઓમાં ઑક્સિજન થેરેપી, નસમાં પ્રવાહી અને કોર્ટીકોસ્ટેરોઇડ્સ જેવી સારવાર આપવામાં આવે છે.


Google NewsGoogle News