ગુજરાતમાં વરસાદ-પૂરની આફત અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, નુકસાનીનું આંકલન કરવા ટીમ બનાવી

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
Rain And IMCT Team


Union Home Ministry IMCT Team : ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં ખાબકેલા ધોધમારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. રાજ્યમાં અતિભારે વરસાદી સ્થિતિને લઈને જનજીવન ખોરવાયું છે, ત્યારે અનેક વિસ્તારો અને લોકો પ્રભાવિત થયા છે. મળતી માહિતી પ્રમાણે, ભારે વરસાદને કારણે 35થી વધુ લોકોના મોત થયા છે. તેવામાં હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલય ટીમની રચના કરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીમ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મૂલ્યાંકન કરશે

આ અંગે બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની આંતર-મંત્રાલય ટીમ ટૂંક સમયમાં ગુજરાતના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે. જેમાં 25થી 30 ઑગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ ખાબકેલા સ્થળે ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલી આંતર-મંત્રાલય સેન્ટ્રલ ટીમનું (IMCT) નેતૃત્વ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના (NIDM) એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કરવાના છે. 

ગુજરાતમાં ભારે વરસાદના કારણે કપરી પરિસ્થિતિ 

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે અનેક શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તૂટેલા વીજ કનેક્શનના કારણે લોકો અંધારામાં જીવવા મજબૂર થયા છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 35થી વધુ લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં 7 રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 66 રાજ્ય ધોરીમાર્ગો, 92 અન્ય રસ્તાઓ અને 774 પંચાયતી માર્ગો સહિત 939થી વધુ રસ્તાઓ બંધ હાલતમાં છે. ગુજરાતમાં ભારે વરસાદ કારણે પૂર આવવાથી હવામાનશાસ્ત્રીઓની ચિંતા વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લો પ્રેસર વિસ્તારના પવનો ઉત્તર-પશ્ચિમ તરફ ફૂંકાવાના હતા, પરંતુ તેમની દિશાઓથી ભટકીને અન્ય દિશામાં પહોંચતા સમગ્ર હવામાનનો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. જ્યારે વૈજ્ઞાનિકોએ સંભાવના વ્યક્ત કરી છે કે, આવી સ્થિતિ ભવિષ્યમાં પણ ચાલુ રહે છે.

આ પણ વાંચો : ગુજરાત સહિત દસ રાજ્યમાં બીજીથી સાતમી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

આ રાજ્યો ભારે હવામાનની સ્થિતિથી પણ પ્રભાવિત

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની અસર થઈ છે. બીજી તરફ, આ વર્ષે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે ઘણું નુકસાન થયું છે. તેવામાં ગૃહ મંત્રાલય આ રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છે, આમ જો આ રાજ્યોમાં પણ ભારે નુકસાની જણાશે તો ત્યાં પણ IMCTની ટીમ મોકલવામાં આવશે. આ ચોમાસા દરમિયાન અન્ય કેટલાક રાજ્યો પણ ભારે વરસાદ, પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે.

કેન્દ્રીય ગૃહમંત્રીના મોટો નિર્ણય, IMCTની ટીમ બનાવી

કેન્દ્રીય ગૃહ મંત્રાલય જણાવ્યાં પ્રમાણે, ઑગસ્ટ 2019માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ ગૃહ મંત્રાલયએ આ વર્ષે આંતર-મંત્રાલય સેન્ટ્રલ ટીમની (IMCT) રચના કરવામાં આવી છે. આ ટીમે પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત રાજ્યો આસામ, કેરળ, મિઝોરમ અને ત્રિપુરાની મુલાકાત લીધી છે.

આ પણ વાંચો : ભાજપના નેતાએ વિશ્વામિત્રીમાં દબાણ કરી બંગલો બાંધી દીધો, આ પૂર માનવસર્જિત: અમિત ચાવડા

મેમોરેન્ડમની રાહ જોયા વિના સ્થળ પર જઈને નુકસાનનું મૂલ્યાંકન

નાગાલેન્ડમાં રચના કરવામાં આવેલા IMCTની ટીમ ટૂંક સમયમાં રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. પહેલા IMCT રાજ્ય સરકાર તરફથી મેમોરેન્ડમ મેળવ્યા પછી જ આપત્તિગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેતું હતું. જ્યારે હવે આ ટીમ રાજ્ય સરકારના મેમોરેન્ડમની રાહ જોયા વિના સ્થળ પર જઈને નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત રાજ્યોને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.'

ગુજરાતમાં વરસાદ-પૂરની આફત અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, નુકસાનીનું આંકલન કરવા ટીમ બનાવી 2 - image


Google NewsGoogle News