અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના: બોપલમાં બે રાહદારીને કાર ચાલકે 10 ફૂટ ઢસેડ્યા, નબીરો ફરાર
Hit And Run Bopal: અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. બે દિવસ અગાઉ બોપલ ધુમા વિસ્તારમાં એક બોલેરો પીકઅપ ચાલકે મહિલાને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ હવે ફરી એકવાર અમદાવાદના બોપલ વિસ્તારમાંથી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સાઉથ બોપલમાં એક કારચાલકે 2 રાહદારીઓને એડફેટે લઇ 10 ફૂટ સુધી ઢસેડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કારચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે એક અજાણ્યા કાર ચાલકે પગપાળા જઇ રહેલા બે રાહદારીઓને અડફેટે લઇ 10 ફૂટ ફંગોળ્યા હતા. આ બંને યુવક મહારાષ્ટ્રથી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ ચાલતાં જઇ રહ્યા હતા, ત્યાર્રે કોઇ અજાણ્યા કાર ચાલકે બેફામ ગતિએ ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી તેમને અડફેટે લીધા હતા.
અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઇજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે અને અકસ્માતનો ગુનો નોંધી અજાણ્યા કારચાલકને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે હેલ્મેટ-લાયસન્સ સહિતની વિવિધ ડ્રાઈવ ભલે યોજવામાં આવે પણ બેફામ ઝડપે હંકારતા વાહનચાલકો પર અંકૂશ મેળવવામાં ટ્રાફિક પોલીસ વિભાગ નિષ્ફળ રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં જ હિટ એન્ડ રનથી 345 વ્યક્તિના મૃત્યુ થયાનું સામે આવ્યું છે.
ગત વર્ષે અમદાવાદ જિલ્લામાં હિટ એન્ડ રનથી 345 વ્યક્તિએ જીવ ગુમાવ્યો
પહેલી જાન્યુઆરી 2023થી 31મી ડિસેમ્બર 2024 દરમિયાન અમદાવાદ શહેરમાં 344, અમદાવાદ ગ્રામ્યમાં 395 હિટ એન્ડ રનના બનાવ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરથી 117, અમદાવાદ ગ્રામ્યથી 228 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં હિટ એન્ડ રનથી 345 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.