અમદાવાદના શેલામાં હિટ એન્ડ રન: પૂરપાટ ઝડપે આવતા થાર ચાલકની અડફેટે ડિલિવરી બોયનું મોત
Ahmedabada Shela Hit And Run | અમદાવાદમાં હિટ એન્ડ રન અને અકસ્માતના કેસ સતત વધતા જઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં વધુ એક ઘટના શેલામાં બની હોવાની માહિતી છે. અહીં એક પૂરપાટ ઝડપે થાર કાર ચાલકની અડફેટે આવી જતાં એક ફૂડ ડિલિવરી બોયનું મોત નિપજ્યું હતું. આ કારચાલકે એટલી ભયાનક ટક્કર મારી હતી કે વાહનચાલક ફંગોળાઈને દૂર પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થતાં મૃત્યુ પામ્યો હતો. આ મૃતકની ઓળખ સફ્ફાન બ્યાવરવાલા તરીકે થઇ હતી.
પીડિતના પરિવારનો આક્ષેપ
આ ઘટનાની જાણ થતાં જ પીડિત યુવકના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે GJ01WS1791 નંબરની કારે અમારા પુત્રના વાહનને ટક્કર મારી હતી. જો કે તેમના આ દાવાની પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળની આજુબાજુના સીસીટીવી કેમેરા ફંફોળવાની તપાસ પણ શરૂ કરી છે.
હિટ એન્ડ રન માટે છે કડક કાયદો
ઉલ્લેખનીય છે કે હિટ એન્ડ રન અંગે નવો કાયદો અમલી બનાવાયો છે. તે અંતર્ગત રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહનચાલકને 10 વર્ષ સુધીની સજા તેમજ દંડની જોગવાઈ છે. જો કે આ કાયદો ત્યારે જ લાગુ પડશે જ્યારે આરોપી વાહનચાલક તંત્ર કે પોલીસને જાણ કર્યા વિના ઘટનાસ્થળેથી અકસ્માત સર્જીને નાસી જાય.