અમદાવાદમાં હિટ એન્ડ રન: શાસ્ત્રી બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા ચાલક યુવતીનું મોત
Hit and Run in Ahmedabad: અમદાવાદના નારોલથી વિશાલા વચ્ચે આવેલા શાસ્ત્રી બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અજાણ્યા વાહનચાલકે એક્ટિવા પર જઈ રહેલી યુવતીને ટક્કર મારતાં યુવતી નીચે પડી ગઈ હતી. જ્યાં યુવતીને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું છે. જેને લઈને હાલમાં ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ ઘટના સ્થળે સીસીટીવી ઓછા હોવાથી આરોપી સુધી પહોંચવું પોલીસને મુશ્કેલ બન્યું છે.
હિટ એન્ડ રનમાં અમદાવાદની યુવતીનું મોત
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના લાંભા પાસે ગાયત્રી બંગલોમાં રહેતી 24 વર્ષીય ભાવી મોદી પોતાનું એક્ટિવા લઈને નારોલ વિશાલા તરફ જઈ રહી હતી. જ્યાં શાસ્ત્રી બ્રીજના છેડે કોઈ અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી યુવતી નીચે પટકાતાં તેને માથાંના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અને ઘટના સ્થળે જ યુવતીનું મોત થયું હતું.
CCTV આધારે પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં એમ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતક યુવતીના પરિવારજનોનો પણ સંપર્ક કર્યો છે. અને મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે. અને પોલીસે નારોલ સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.