અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: કારે પાછળથી ટક્કર મારી માતા-પુત્રને હવામાં ફંગોળ્યા
Hit and Run in Ahmedabad: અમદાવાદમાં દરરોજ કૂદકે ને ભૂસકે અકસ્માતનો આંકડો વધતો જાય છે. સુખી ઘરના નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરીને રોડ પર જતાં નિર્દોષને ઉડાવી રહ્યા છે, જેના લીધે ઘણીવાર નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ હિટ એન્ડ રનનો કિસ્સો તાજેતરમાં ગોતા વિસ્તારમાં આવેલા શ્રીજી પાર્ટી પ્લોટ નજીક ન્યુ સાયન્સ રોડ પર સર્જાયો છે. જેના સીસીટીવી ફૂટેજ જોઈને રુંવાડાં ઊભા થઈ જશે. આ સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે પરિવારના ત્રણ સભ્યો બાળક, મહિલા અને પુરુષ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય છે, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી કાર ટક્કર મારીને માતા-પુત્રને ઉડાવી દે છે. આ અકસ્માતમાં મહિલા અને બાળકને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી
મળતી માહિતી અનુસાર, રવિવારે (15મી સપ્ટેમ્બર) રણજીતસિંહ (ઉં.વ.38) તેમના પત્ની જવુબેન (ઉં.વ.38) અને દીકરો પ્રતિરાજસિંહ (ઉં.વ.12) ઉમિયા સર્કલથી ન્યુ સાયન્સ સીટી રોડ શ્રીજી પાર્ટી પ્લોટ તરફ રોડની સાઇડમાં ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક પૂરપાટ કારે રણજીતસિંહના પત્ની અને દીકરાને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાળક અને મહિલા કારની નીચે આવી ગયા હતા. રણજીતસિંહે દીકરાને જેમ તેમ કરીને કારની નીચેથી બહાર કાઢ્યો હતો.
આ પણ વાંચો: ગણેશજીને વિસર્જન માટે લઈ જતા ટ્રેકટરનું ટાયર ફાટ્યું, વિશાળકાય પ્રતિમા રોડ પર જ 'ખંડિત'
પ્રતિરાજસિંહને પેટના ભાગે, છાતીમાં, લીવર અને ફેફસામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, તો બીજી તરફ જવુબેનને માથામાં કપાળ તથા કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર ચાલક કોણ હતો અને ક્યાં ગયો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.