ગુજરાતના માત્ર 115 કરોડ રૂપિયાના પ્રથમ બજેટનો ઈતિહાસ, જાણો કોણે રજૂ કર્યું હતું
Gujarat Budget: ગુજરાતનું બજેટ ગુરૂવારે (20 ફેબ્રુઆરી) રજૂ થવા જઈ રહ્યું છે. ગત વર્ષે ગુજરાતનું બેજટ 3,32,465 કરોડનું હતું, તેમજ રાજ્યનું પહેલું બજેટ 115 કરોડ રૂપિયાનું હતું. ગુજરાતનું પહેલું બજેટ 1960માં રજૂ કરવામાં આવ્યું હતું, જે રાજ્યના પહેલાં મુખ્યમંત્રી અને નાણાંમંત્રી ડૉ. જીવરાજ મહેતા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ચાલો જાણીએ ગુજરાતના પહેલાં બજેટની રસપ્રદ વાતો.
ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું રાજ્યનું પેહલું બજેટ
પહેલી મે 1960ના દિવસે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી છૂટુ પડ્યું હતું. ત્યારબાદ ગુજરાતનું પહેલું બજેટ અમદાવાદની વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના પહેલાં મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા નાણાંમંત્રીનો હવાલો પણ સંભાળતા હતાં. તેથી 22 ઓગસ્ટ, 1960 ના દિવસે ડૉ. જીવરાજ મહેતા દ્વારા 115 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Gujarat Budget 2025 LIVE | નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાતનું ચોથું બજેટ રજૂ કરશે
નાણાંકીય વર્ષમાં કેમ રજૂ ન કરાયું પહેલું બજેટ?
અહીં ઓગસ્ટ મહિનામાં બજેટ રજૂ કરવા પાછળ પણ એક કારણ છે. સામાન્ય રીતે નાણાંકીય વર્ષ માર્ચથી બજેટ શરૂ થાય છે. પરંતુ પહેલી મેના દિવસે ગુજરાત એક અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું, જેના કારણે સ્વતંત્ર ગુજરાતનું પહેલું બજેટ ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું. 115 કરોડના આ બજેટમાં ખાદ્યાન્નનું બજેટ 3 કરોડ 87 લાખ રૂપિયા હતું. જોકે, છેલ્લાં દસ દાયકામાં ગુજરાતની પ્રગતિની સાથોસાથ તેનું બજેટ પણ વધ્યું છે.
સૌથી વધુ કોણે રજૂ કર્યું બજેટ?
ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી સતત મુખ્યમંત્રીનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે છે. એવામાં તેમના શાસન દરમિયાન પૂર્વ નાણાંમંત્રી તરીકે વજુભાઈ વાળાએ સૌથી વધુ સતત 18 વાર રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું.
આ પણ વાંચોઃ ગોંડલમાં બે માળનું મકાન ધરાશાયી, 3 લોકો કાટમાળ નીચે દટાયાં, રિનોવેશન વખતે બની ઘટના
નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે 3,32,465 કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું હતું, આ અગાઉ વર્ષ 2023-24 માટેનું બજેટ 3.12 લાખ કરોડ રૂપિયા હતું અને 2022-23 માટે 2,43,965 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું હતું.