ઐતિહાસિક ઘટના: 150 વર્ષ પહેલાં પૂરમાં નાશ પામ્યો હતો અસલ એલિસબ્રિજ
Ellisbridge: લોખંડના પિલરો, ગડર અને કમાનોવાળો એલિસબ્રિજ સતત બદલાતાં અમદાવાદનો સાક્ષી બન્યો છે. સાબરમતીના વહી ગયેલા પાણી જોયા છે. પૂરના તોફાની અને ઝંઝાવાતી પાણી પણ જોયા છે એ બધા વચ્ચે આજે પણ એ અડગ ઊભો છે, પરંતુ શું તમે જાણો છો કે આજનો એલિસબ્રિજ અસલ નથી.
'બરો એલિસ”ના નામ પરથી 'એલિસબ્રિજ' નામ પડ્યું
અમદાવાદનો જાણીતો એલિસબ્રિજ કે જેને ઘણા લોકો ‘લક્કડિયો પુલ' કહે છે. એ ખરેખર તો તે આખો પોલાદનો બનેલો છે. આ પુલ એટલા મજબૂત પોલાદમાંથી બનાવવામાં આવ્યો છે કે આજે એક સદી ઉપરાંતથી પણ એ પુલ અડીખમ છે. આ પુલનું નામ એ જમાનાના ઉત્તર વિભાગના કમિશ્નર 'બરો એલિસ”ના નામ પરથી 'એલિસબ્રિજ' પડ્યું છે.
સાબરમતી નદીમાં આવેલા ભયાનક પૂરમાં એલિસબ્રિજ નાશ પામ્યો હતો
1869-70માં બનેલો એલિસબ્રિજ એના પાંચ વર્ષમાં 1875માં સપ્ટેમ્બર મહિનામાં સાબરમતી નદીમાં આવેલા ભયાનક પૂરમાં નાશ પામ્યો હતો. એ સમયે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી સાબરમતી નદીમાં ધસમસતા પાણી કિનારો છોડીને અમદાવાદ શહેરમાં પ્રવેશી ગયા હતા. શહેરના ખાનપુર વિસ્તારમાં ત્રણ ફૂટ, લાલ દરવાજે પાંચ ફૂટ, ત્રણ દરવાજે છ ફૂટ અને ભદ્ર પાસે આઠ ફૂટ પાણી આવી ચઢ્યું હતું.
આ પણ વાંચો: વડોદરામાં પહેલી વખત રાજ્યની ક્રાઈમ કોન્ફરન્સ શરૂ, 17 IPS અધિકારીઓ હાજર
જૂનો એલિસબ્રિજ બનાવવા 5,49,210 રૂપિયા ખર્ચ થયેલો
અસલ એલિસબ્રિજ 1869-70માં બનાવવામાં આવ્યો હતો. એ જમાનામાં એ પુલ બનાવવા માટે સરકારે 5,49,210 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આજના હિસાબે તેની કિંમત ગણવી મુશ્કેલ થાય! એ પુલમાં 60 ફૂટની તેંત્રીસ કમાનો હતી. એમાં ઘણું ખરું બાંધકામ લાકડાનું હોવાથી એનું એનું નામ 'લક્કડિયો પુલ' પડી ગયું હતું. સરકાર દ્વારા બાંધવામાં આવેલા આ પુલની જાળવણીનું કામ પાછળથી મ્યુનિસિપાલિટીને સોંપાયું હતું. અમદાવાદ શહેરના કોટ વિસ્તારને નદી પારના ગામો સાથે જોડતો આ જ એકમાત્ર રસ્તો હતો. એ સમયે પશ્ચિમ અમદાવાદમાં છૂટા છવાયા ગામડા અસ્તિત્વમાં હતા અને ત્યાં સુધી પહોંચવા માટે ધૂળિયા રસ્તા હતા.
1875માં એલિસબ્રિજ તૂટી ગયો હતો
ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી કહે છે કે, ભયાનક વરસાદની મોટી અસર અમદાવાદમાં જોવા મળી હતી. 21 સપ્ટેમ્બર 1875ના રોજ શાહીબાગ પાસના રેલવે પુલ સાથે પૂરમાં તણાઈ આવેલું મોટું ઝાડ અથડાયું અને રેલવે પુલ તૂટી ગયો. એનો ભંગાર પૂરના ધસમસતા પાણી સાથે તણાતો તણાતો એલિસબ્રિજ સાથે અથડાયો અને મોટો ધડાકો થયો. એલિસબ્રિજ ઢીલો પડી ગયો. કાટમાળના બીજા ટુકડા પાણીમાં ધસડાઈને આવતા ગયા અને એલિસબ્રિજ સાથે અથડાતા ગયા. આખરે એલિસબ્રિજ વચ્ચેથી કમાન આકારે વળી ગયો. એની કમાનો એક- એક કરીને છૂટી ગઈ અને પાણીમાં તણાઈ ગઈ.
આઠ કમાનો પહેલા તૂટી હતી અને તે જ દિવસે સાંજે બીજી એક કમાન તૂટી ગઈ. આ બાજુ પૂરના પાણી ઉતરવાનું નામ જ લેતા નહોતા. ઉલટાનું પાણી વધતું જતું હતું. 22મીએ પાણી નિયંત્રણમાં આવતાં લોકોએ હાશકારો અનુભવ્યો. પરંતુ બીજા દિવસે 23મીએ પાણી સામાન્ય કરતાં બાવીસ ફૂટ વધારે થઈ ગયું અને પાણીના દબાણથી એલિસબ્રિજની બીજી આઠ કમાનો પણ ધડાકા સાથે તૂટીને તણાઈ ગઈ. પૂરના પાણી પચીસમી તારીખે ઓસર્યા ત્યારે એલિસબ્રિજના થોડાક પિલરો બચ્યા હતા. બાકીના પુલનું નામનિશાન નહોતું. એ પિલર એટલે કે થાંભલા જે આજે પણ માટીમાં દટાયેલા ઊભા છે.
1875ના બુદ્ધિપ્રકાશમાં કર્યું છે પુલનું આબેહુબ વર્ણન
આજનો નવો એલિસબ્રિજ એ જૂના થાંભલાઓથી ઉત્તર બાજુ થોડે દૂર જૂના કિલ્લાના માણેક બૂરજ પાસે બનાવવામાં આવ્યો છે. જૂનો પુલ તૂટી જવાથી નવા પુલની મજબૂતાઈ માટે ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું હતું. એટલે એ આખે આખો પોલાદમાંથી બનાવવામાં આવ્યો હતો. જે આજે ગમે તેવા ધસમસતા પૂરમાં પણ ડગે નહી! એ સમયના ઘોડાપૂરનું આબેહુબ વર્ણન નવેમ્બર 1875ના બુદ્ધિપ્રકાશમાં આપવામાં આવ્યું છે.