સોનાનો ભાવ આસમાને પહોંચતા અખાત્રીજનું ઍડ્વાન્સ બુકિંગ અટક્યું, લોકોની થોભો-રાહ જુઓની નીતિ
Gold Price Akshaya Tritiya Booking Halt: અખાત્રીજ અટલે શુભકાર્ય માટેનું વણજોયું મુહૂર્ત. અખાત્રીજે લોકો મુહૂર્ત અને શુકન માટે પણ સોના ચાંદીની ખરીદી કરતાં હોય છે. દર વર્ષે અખાત્રીજના દિવસે શુભ મુહૂર્તમાં સોનાની ખરીદી કરવા અથવા તો ડીલીવરી મેળવવા માટે ઍડ્વાન્સમાં બુકિંગ થઈ જતું હોય છે.
ગ્રાહકો અને વેપારીઓ સોનાના ભાવ ઘટવાની રાહમાં
ચાલુ વર્ષે ઍડ્વાન્સ બુકિંગની ઇન્કવાયરી પણ શરુ થઈ નથી. સોની બજારના વેપારીઓને હવે અખાત્રીજના દિવસે કેવો ધંધો રહેશે તેની ચિંતા સતાવી રહી છે. હવે ગ્રાહકોની સાથે વેપારીઓ પણ સોનાના ભાવ ઘટે તેની વાટ જોઈ રહ્યા છે.
અમદાવાદ સહિત દેશભરના સોના-ચાંદી બજારમાં અખાત્રીજે તેજી જોવા મળતી હતી. ચાલુ વર્ષે સોના અને ચાંદી બજારમાં અસાધારણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
ધંધો દેખાય તે માટે ઘણા વેપારીઓએ ઓળખીતા ગ્રાહકોને ડિસ્કાઉન્ટમાં સોનું આપ્યું
હાલ સોનાના ભાવ એક લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેને કારણે લોકો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. બજારમાં મંદી જોવા મળી રહી છે. બજારના જાણકારોમાં ચર્ચા છે કે, કેટલાક વેપારી કાઉન્ટર ચાલુ રહે અને ધંધો દેખાય તે માટે ઓળખીતા ગ્રાહકોને ચોક્કસ ડિસ્કાઉન્ટ સાથે સોનું ઓફર કરી રહ્યા છે.
ગ્રાહકો ડિસ્કાઉન્ટ સાથે સોનું ખરીદી પણ રહ્યા છે. બીજી તરફ સ્થિતિ કંઈક જુદી છે. સૂત્રોના મતે સોનાના ભાવમાં એક મહિનામાં જ મોટી વધઘટ થઈ છે. જેને લઈને સૌ કોઈ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. વેપારીઓ પણ હવે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ સ્ટેબલ થાય તેની રાહ જોઈને બેસી રહ્યા છે.
આ પણ વાંચો: 14 વર્ષીય સગીરાને 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટની આખરે મંજૂરી
સોનામાં ભાવને લઈને વેપારીઓમાં ચિંતા
સોનાના ભાવ ઐતિહાસિક રૂ. 1,01,000 સુધી પહોંચી ગયા છે. જ્યારે ચાંદી પણ 1,00,000 સુધી જઈને 96,000 પર સ્થિર થઈ છે. હવે આ ભાવે અખાત્રીજમાં લોકો ખરીદી કરવા આવશે કે નહિ તે ચિંતા વેપારીઓને સતાવી રહી છે.