હાઇકોર્ટે ડીવાયએસપીનો ઉઘડો લીધો: પોલીસને કેમ રિકવરીમાં બહુ રસ હોય છે.. મલાઇ મળે છે એટલે..?
Gujarat High Court: કોમર્શિયલ તકરારમાં પૈસાની ઉઘરાણીને લઇ એક વેપારી પર જુદા જુદા પોલીસ મથકમાંથી ફોન કરી ધમકીઓ અને સમન્સ આપવાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામીનો ઉધડો લઇ નાંખ્યો હતો. જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે પોલીસ તંત્રના ભ્રષ્ટાચારી અને સત્તાના દુરુપયોગના વલણને લઇ ફટકાર લગાવતાં જણાવ્યું હતું કે, પોલીસને કેમ રિકવરીમાં બહુ રસ હોય છે...? મલાઇ મળે છે એટલે...? પોલીસ મન ફાવે એ રીતે સત્તાનો દુરુપયોગ કરે એ ચાલશે નહી. પોલીસનું કામ માત્ર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાનું છે અને તે પણ કર્તવ્યનિષ્ઠા અને પ્રમાણિકતા સાથે. પોલીસનું કામ કંઇ રિકવરી એજન્ટનું નથી. હાઇકોર્ટે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે.
પોલીસ મન ફાવે એ રીતે સત્તાનો દુરુપયોગ કરે એ ચાલશે નહી
હાઇકોર્ટે ગંભીર અવલોકનો સાથે હુકમની નકલ રાજ્યના પોલીસ વડા, ડીઆઇજી અને શહેર પોલીસ કમિશનરને મોકલી આપવા હુકમ કર્યો હતો કે, જેથી સમગ્ર સીસ્ટમમાં સુધારો થઇ શકે. જેતપુરમાં ભાગીદારીમાં એગ્રી બિઝનેસ કરતાં એક વેપારીને છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા પોલીસમથકમાંથી ફોન આવતાં હતા અને પીઆઇથી લઇ ડીવાયએસપી સુધીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રૂ.21 લાખની ઉઘરાણી કરી ફરિયાદીને પૈસા આપી દેવા ધમકી આપી સમન્સ અપાયા હતા. પોલીસના ત્રાસ-હેરાનગતિથી કંટાળી વેપારીએ હાઇકોર્ટમાં રિટ કરી હતી, જેમાં હાઇકોર્ટે મંગળવારે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપીને કોર્ટ રૂબરૂ હાજર રખાવ્યા હતા.
આ પણ વાંચો: ઉડતા ગુજરાત : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ગુજરાત ડ્રગ્સની હેરાફેરી માટેનું 'સિલ્ક રૂટ' બની રહ્યું
હાઇકોર્ટે અદાલત સમક્ષ હાજર રહેલા મહિલા ડીવાયએસપી નીલમ ગોસ્વામીને ઠપકો આપતાં જણાવ્યું કે, બેન, શું ચાલી રહ્યું છે આ બધુ..? શું પોલીસને માત્ર રિકવરીમાં જ રસ હોય છે...? બાવળા, ચાંગોદર પાસે આટલો બધો ટ્રાફિકજામ થઇ જાય છે અને તમારા પોલીસવાળા સાઇડમાં એમ ને એમ ઉભા હોય છે એ તમને દેખાતુ નથી. એ બઘુ પોલીસની ડ્યુટીમાં આવે કે કોઇના પૈસા બાકી છે તે કઢાવવાનું કામ પોલીસની ફરજમાં આવે..? બધા તલવાર લઇને ફરતા હોય છે અને ફાયરીંગ કરતા હોય છે તેઓને કંટ્રોલ કરવામાં તમારી શક્તિ લગાડવાની હોય કે આવી બધી બાબતમાં...?
જસ્ટિસ સંદીપ ભટ્ટે પોલીસની આલોચના કરતાં જણાવ્યું કે, આ એક બિઝનેસનો વિવાદ છે. દિવાની તકરારનો દેખીતો આ કેસ છે. તેમાં દાવા-દૂવી કરવાના હોય તો પોલીસ તેની રીતે રસ લઇ વર્તે છે. શું પોલીસ આ બધા માટે છે...? અને આવી બાબતમાં વધારે પડતો રસ લઇ પતાવટ કરવામાં પડો છો..? તેનું કારણ શું..? આ બઘુ વધારે પડતું છે. તમારા અધિકારીઓએ આનો સામનો કરવો પડશે. આ તમારું કામ નથી. પોલીસે એક મર્યાદામાં રહેવાનું હોય. પોલીસ મનફાવે એ રીતે સત્તાનો દુરુપયોગ કરે એ નહી ચાલે.
પોલીસ લેણદારો દેવાદારને બોલાવે છે.. પોલીસ શા માટે આવી બધી બાબતોમાં પડે છે.? હાઇકોર્ટે સરકારપક્ષ તરફથી રજૂ કરાયેલો જવાબ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. સરકારી વકીલ તરફથી બચાવ કરાયો કે, અરજદાર વિરૂદ્ધની બધી અરજીઓનો નિકાલ કરી દેવાયો છે પરંતુ હાઇકોર્ટે સીધો જ સવાલ કર્યો કે, પણ પોલીસે આવી નોટિસ આપી જ કેમ અને કયા આધાર પર..? હાઇકોર્ટે સમગ્ર મામલે સંબંધિત ઉચ્ચ અધિકારીઓને ખુલાસા સાથેનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો અને કેસની વઘુ સુનાવણી તા.25મી ઓકટોબર પર રાખી હતી.
આ પણ વાંચો: ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને IPS પાંડિયન વચ્ચે તુ-તુ-મૈં-મૈં... પોલીસ ભવનમાં જ બબાલ
ગુજરાત શાંતિપૂર્ણ રાજ્ય છે પરંતુ એવું કયાંય દેખાતુ નથી : હાઇકોર્ટ
જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે ટકોર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત શાંતિપૂર્ણ રાજ્ય છે પરંતુ એવું કંઇ જણાતુ નથી. મહિલાઓને તો તમે સુરક્ષા આપી શકતા નથી..? પોલીસવાળાને સત્તા આપી છે, તો તેનો દુરુપયોગ કરવાનો...? પબ્લીકને તમારે કંઇ મદદ કરવાની કે નહી...? દર સેકન્ડે આપણે વાંચીએ છીએ કે, તલવારો લઇને જાહેરમાં માણસોએ, ફાયરીંગ કર્યુ, વાહન અથડાયા તો મારામારી થઇ ગઇ..એ બંઘુ કંટ્રોલ કરવાનું છે તમારે કે આ બઘુ કરવાનું છે..?
તમે તો પેરેલલ સીસ્ટમ ચલાવો છો..શું આ તમારું કામ છે...
હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢતાં જણાવ્યું કે, ખરેખર તો, પોલીસનો એક ડર હોવો જોઇએ ગુંડાઓમાં..પરંતુ તેમ કરવાના બદલે તમે તો પેરેલલ એક સીસ્ટમ ચલાવો છો. આ તમારું કામ છે..? એ કોર્ટનું કામ છે તેના પુરાવા-દાવા જોઇને..નક્કી કરવાનું. આ તમારું કામ નથી. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાની પરસ્થિતિ જાળવવાનું છે અને તે પણ કર્તવ્યનિષ્ઠા અને પ્રમાણિકતા સાથે.
આ પણ વાંચો: ગેનીબેનની વાવ વિધાનસભા બેઠક : કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ, ભાજપ માટે અસ્તિત્વનો જંગ
સવારે નીકળેલો માણસ અક્સ્માત કે મારામારી વિના આવે ત્યારે હાશકારો થાય તેવી સ્થિતિ
હાઇકોર્ટે બહુ વેધક ટિપ્પણી કરી હતી કે, આજે માણસ રાત્રે કે દિવસે નીકળી શકતો નથી. ઘરેથી સવારે નીકળે તો અકસ્માત વિના કે મારામારી થયા વિના પાછો ઘેર આવે ત્યારે હાશકારો થાય તેવી ગંભીર સ્થિતિ છે. કેટલાક શહેરો અને અમદાવાદના અમુક વિસ્તારોમાં હવે આવી ચિંતાજનક પરિસ્થિતિ બની રહી છે. તમારા ઉચ્ચ અધિકારીઓએ આ માટે વિચારવું જોઇએ.
ડ્રગ્સ આટલું બઘુ મળે છે, દારૂ આટલો વેચાય છે તો એ બઘું અટકાવો ને...
હાઇકોર્ટે પોલીસને જણાવ્યું કે, ડ્રગ્સ આટલુ બઘુ મળે છે., આટલો દારૂ વેચાય છે...ગેમ્બલીંગ આટલુ બઘુ થાય છે તમારી ડયુટી જે બજાવવાની છે તે બજાવોને...આ બઘુ અટકાવો ને..જે અનલોફુલ એકટીવીટી છે તે અટકાવો ને...તેમાં તો તમે સહેજપણ સાવધાન નથી અને તમને રસ નથી. કયા સ્ટેજ પર સ્થિતિ લઇ જવાની છે.