કાયમી OBC કમિશન મુદ્દે હાઇકોર્ટે સરકારનો લીધો ઉધડો; 'જવાબ આપો, નકામી દલીલ ના કરો'
OBC commission : રાજ્યમાં કાયમી ધોરણે ઓબીસી કમિશનની રચના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રીટમાં આજે સરકાર તરફથી સંતોષજનક જવાબ નહી મળતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે, તમારું કમિશન એક સભ્યથી ચાલે છે અને તે કાગળ પર છે. તમે સાત મહિનામાં કર્યું શું..? તે જણાવો. સરકાર પાસે યોગ્ય જવાબ ના હોય તો કોર્ટ સમક્ષ નકામી દલીલો ના કરો. હાઇકોર્ટે આ કેસમાં રાજ્યના ચીફ સેક્રેટરી પાસેથી હવે જવાબ માંગ્યો છે અને કેસની વઘુ સુનાવણી તા. 20 સપ્ટેમ્બર પર મુકરર કરી છે.
હાઇકોર્ટે ચીફ સેક્રેટરીનો જવાબ માંગ્યો
જાહેરહિતની રીટ અરજીમાં જણાવાયું હતું કે, ગુજરાત રાજ્યમાં સ્થાયી રૂપે ઓબીસી કમિશનની રચના જ નથી કરાઈ અને તેના કારણે સુપ્રીમકોર્ટના નિર્દેશોનો પણ ભંગ થાય છે. રાજ્યમાં માત્ર એક જ સભ્યનું ઓબીસી કમિશન ચાલી રહ્યું છે. જેના ચેરમેન નિવૃત્ત હાઇકોર્ટ જજ છે. દર દસ વર્ષે ઓબીસી જ્ઞાતિઓને લઈને સમીક્ષા સહિતની કામગીરી કરવાની હોય છે તે પણ નિયમિતપણે થઈ નથી. કમિશનમાં ચેરપર્સનની સાથે બીજા બે સભ્યોની નિમણુક પણ હોવી જોઈએ. પરંતુ હજુ સુધી તે કરાઈ નથી. જો કે, હજુ નિર્ણય લેવાનો બાકી છે. બાકી, કમિશન અસ્તિત્વમાં છે અને એક મેમ્બરથી પણ ચાલી રહ્યું છે.
સરકારનો જવાબ સાંભળી હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી અને સરકારની ઝાટકણી કાઢતાં સવાલ કર્યો હતો કે, વાર્તાની જગ્યાએ તમે શું કામ થયું છે..? તે વિશે જણાવો. ઓબીસી કમિશન માત્ર કાગળ પર જ છે. સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, એક સભ્યનું કમિશન હોઈ શકે નહીં. જો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું તમારી રીતે અર્થઘટન કરી સરકાર એક મેમ્બરના કમિશનથી કામ ચલાવવા માંગતી હોય તો શા માટે બીજા બે મેમ્બર લેવા માટે ઠરાવ કરવામાં આવ્યો...? સરકાર પાસે જો યોગ્ય જવાબ ના હોય તો, સમય માંગે પણ નકામી દલીલો કરે નહીં.
હાઇકોર્ટે વઘુમાં ટકોર કરી હતી કે, સરકારે જાન્યુઆરી મહિનામાં કોર્ટને બે સભ્યોની નિમણુક કરવા બાબતે બાંહેધરી આપી હતી તો ત્યારપછી સાત મહિના વીત્યા..આ સાત મહિનામાં તમે કર્યું શું..? કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ના કરશો. આખરે હાઇકોર્ટે સમગ્ર મામલાની ગંભીર નોંધ લઈ હવે આ કેસમાં ખુદ રાજ્યના ચીફ સેક્રેટરી પાસેથી જવાબ માંગ્યો છે અને કેસની વઘુ સુનાવણી તા. 20મી સપ્ટેમ્બર પર રાખી હતી.