પાકિસ્તાની નાગરિકે ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી, બાળકની કસ્ટડી માગી તો કોર્ટે માતાની કરી તરફેણ
Gujarat High Court : એક પાકિસ્તાની નાગરિક દ્વારા ભારતમાં તેની પત્ની પાસેથી ચાર વર્ષના બાળકની કસ્ટડી મેળવવા દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટ અરજી જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરે ફગાવી દીધી છે. પાકિસ્તાની પતિ તરફથી બાળકને ગેરકાયદે ગોંધી રાખવા ઉપરાંત તેના નાગરિકત્વ, સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરાનો આધાર રજૂ કરી બાળકની કસ્ટડી મેળવવા માંગણી કરી હતી. જો કે, હાઇકોર્ટે તેની માંગણી ધરાર નકારી કાઢી હતી.
પતિએ બાળકના નાગરિકત્વ, સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરાનો આધાર લીધો પણ હાઇકોર્ટે માંગ નકારી
કેસની વિગતો મુજબ, વર્ષ 2019માં આ યુગલના પાકિસ્તાનના કરાચી ખાતે લગ્ન થયા હતા અને લગ્નજીવનમાં તેમને એક પુત્ર જન્મ્યો હતો. બાદમાં પતિ-પત્ની વચ્ચેની તકરારમાં પત્ની પોતાના બાળકને લઈ ટુરિસ્ટ વીઝા પર ભારતમાં આવી ગઈ હતી. તે પાકિસ્તાની પાસપૉર્ટ ધરાવે છે.
મહિલાના પતિએ પાવર ઑફ એટર્ની મારફતે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસ અરજી કરી બાળકની કસ્ટડી મેળવવા દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેની પત્ની ગેરકાયદેસર રીતે તેમના બાળકને લઈ ભારતમાં આવી ગઈ છે અને તે તેના સુરત ખાતેના પિયરમાં રહે છે. ભારતમાં આવ્યા બાદ તેણીએ અરજદાર સાથેના વ્યવહારો બંધ કરી દીધા છે અને તેથી અરજદારને બાળકના ભવિષ્યની ચિંતા અને દહેશત છે કે તે કદાચ પાકિસ્તાનમાં પરત નહીં આવે.
અરજદારે ગાર્ડીયન ઍન્ડ વોર્ડસ ઍકટ હેઠળ કરાંચીની ફેમીલી કોર્ટમાં પણ બાળકની ક્સ્ટડી મેળવવા અરજી દાખલ કરેલી છે અને પત્નીના જવાબ માટે કોર્ટે નોટિસ કાઢી છે પરંતુ તે ભારતમાં હોવાથી તેને નોટિસ બજાવી શકાઈ નથી.
સરકાર પક્ષ તરફથી પાકિસ્તાની પતિની અરજીનો વિરોધ કરતાં જણાવાયું કે, બાળક તેની જૈવિક માતાના કબજામાં છે અને તેથી તેને ગેરકાયદે ગોંધી રખાયું હોવાનું કહી ના શકાય. તેથી પાકિસ્તાની નાગરિકની હેબિયર્સ કોર્પસ અરજી ટકી શકે તેમ જ નથી. હાઇકોર્ટે અરજદાર પતિની રિટ અરજી ગ્રાહ્ય રાખવી જોઈએ નહીં. પક્ષકારોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે પાકિસ્તાની નાગરિકની અરજી ફગાવી દીધી હતી.