Get The App

કોઈ અરજી કે પુરાવાના મૂલ્યાંકન વિના કાયમી ભરણપોષણ નક્કી ન કરી શકાય: ગુજરાત હાઈકોર્ટ

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
કોઈ અરજી કે પુરાવાના મૂલ્યાંકન વિના કાયમી ભરણપોષણ નક્કી ન કરી શકાય: ગુજરાત હાઈકોર્ટ 1 - image


Gujarat High Court: શું કોઈપણ પ્રકારની લેખિત અરજી કે માગ વિના પત્નીની તરફેણમાં ફેમિલી કોર્ટ કાયમી ભરણપોષણની રકમ નક્કી કરી શકે? અથવા તો શું કોઈપણ પ્રકારના ભરણપોષણના કાયમી ઉકેલ વિના કે પછી પુરાવાઓને ધ્યાને લીધા વિના ભરણપોષણની રકમ કોર્ટ નક્કી કરી શકે? આવા સવાલો ઊઠાવતા એક કેસ પર સુનાવણી કરતાં ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો. 

પત્નીને રૂ.70 લાખના ભરણપોષણનો હુકમ હાઇકોર્ટે રદ કર્યો 

ગુજરાત હાઈકોર્ટે પત્ની તરફથી આવી કોઇ લેખિત અરજી વિના કે પુરાવાના મૂલ્યાંકન વગર જ ફેમીલી કોર્ટ દ્વારા પત્નીને કાયમી ભરણપોષણ પેટે 70 લાખ ચૂકવી આપવા અંગેના ફેમીલી કોર્ટના હુકમને અયોગ્ય અને રદબાતલ ઠરાવ્યો હતો. ફેમિલી કોર્ટના હુકમને પડકારતી પતિ દ્વારા કરાયેલી અપીલ મંજૂર રાખતાં એક્ટિંગ ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકની ખંડપીઠે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે આ મામલો પુરાવાઓનું મૂલ્યાંકન કરી કાયદાનુસાર નિર્ણય લેવા વડોદરાની ફેમીલી કોર્ટને ટ્રાન્સફર કરી દીધો હતો અને દસ સપ્તાહમાં યોગ્ય નિર્ણય લેવા હુકમ કર્યો હતો. 

ખંડપીઠે સ્પષ્ટ ઠરાવ્યું હતું કે, 'હિન્દુ મેરેજ એક્ટની કલમ-25ની જોગવાઇ પરથી સ્પષ્ટ છે કે, કાયમી ભરણપોષણ માટે અરજી થયેલી હોવી જરૂરી છે. પ્રસ્તુત કેસમાં પત્ની તરફથી લેખિત અરજી પણ કરાઇ ન હતી કે, તથ્યો મુજબ, મૌખિક વિનંતી પણ કરાઇ ન હતી. પત્ની તરફથી નાણાંકીય રાહત માટેનો કોઇ ચોક્કસ દાવો કરાયો નહીં. હોવાછતાં ફેમીલી કોર્ટે તેને રાહત આપતાં પહેલા લગ્નગાળો, પતિ-પત્નીની કમાવાની ક્ષમતા, તેમની ઉંમર, સ્વાસ્થ્ય, જીવનધોરણ, લગ્નજીવનમાં તેમના નાણાંકીય અને બિન નાણાંકીય સહયોગ સહિતના મુદ્દાઓ ઘ્યાનમાં લેવાની જરૂર હતી. ફેમીલી કોર્ટે સંબંધિત મુદ્દાઓ ઘડયા વિના કે, પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા વિના જ પત્નીની તરેફેણમાં કાયમી ભરણપોષણની રકમ નક્કી કરી દીધી છે, જે કાયદાકીય જોગવાઇ મુજબનો હુકમ ન કહી શકાય. 

આ પણ વાંચો: દેશના મોટાભાગના શહેરોમાં વક્ફ બિલ વિરુદ્ધ દેખાવ, હાથે કાળી પટ્ટી બાંધી કેન્દ્રનો વિરોધ

કેસની વિગત મુજબ, વર્ષ 2002માં લગ્ન થયા બાદ 2005માં પતિ અમેરિકા ગયો હતો. બાદમાં તેમના ઘરે બીજા દિકરાનો પણ જન્મ થયો હતો. વર્ષ 2012માં પતિની આવક 1.15 લાખ ડોલર પર પહોંચી હતી. જો કે, બંને વચ્ચેની લગ્નજીવનની તકરારને લઈ વડોદરા ફેમીલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ બંનેએ દાખલ કર્યો હતો. જેમાં વર્ષ 2019માં ફેમિલી કોર્ટે પત્નીને કાયમી ભરણપોષણ પેટે 70 લાખ ચૂકવી આપવા પતિને હુકમ કર્યો હતો. જેનાથી નારાજ થઈ પતિ તરફથી હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી.

કોઈ અરજી કે પુરાવાના મૂલ્યાંકન વિના કાયમી ભરણપોષણ નક્કી ન કરી શકાય: ગુજરાત હાઈકોર્ટ 2 - image


Tags :