ગુજરાત સરકારના બે ટોચના અધિકારીઓને હાઈકોર્ટનું તેડું, જાણો શું છે મામલો, હાઇકોર્ટ કેમ અકળાઈ?
Gujarat High Court News : રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, માર્ગો-ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ-દબાણો સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટના વારંવારના નિર્દેશો અને કડક ચેતવણીઓ છતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નહી આવતાં ગુજરાત હાઇકોર્ટે છેવટે ગુરૂવારે રાજયના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે.દાસ અને શહેર વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને તા.29મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે. એડવોકેટ અમિત પંચાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં આજે જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે રાજય સરકાર, ટ્રાફિક વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ઓથોરીટીને આડા હાથે લઇ નાંખ્યા હતા.
2018 પછી કન્ટેમ્પ્ટ કેસમાં 60 હુકમો છતાં કોઇ ફળદાયી પરિણામ નહીં આવતાં હાઇકોર્ટે સખત નારાજગી વ્યકત કરી
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ટ્રાફિકની જટિલ સમસ્યા, જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ, રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના અનેક મુદ્દાઓ પર ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2018 પછી લગભગ 60 જેટલા હુકમો કર્યા હોવાછતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નહી આવતાં કે કોઇ ફળદાયી પરિણામ નહી આવતાં જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે આજે ભયંકર નારાજગી વ્યકત કરી હતી કે, આટલા વર્ષોથી હાઇકોર્ટ વારંવાર હુકમો કર્યા કરે છે અને તમને પૂરતી તક આપી છે પરંતુ હજુ સુધી કોઇ જ અસરકારક કે પરિણામલક્ષી થઇ જ નથી. તમારી બધી વાતો અને દાવાઓ માત્ર કાગળ પરના છે. સરકારે અને તેના અધિકારીઓએ હાઇકોર્ટના હુકમોનું સાચા અર્થમાં પાલન કરાવવુ પડશે.
આ પણ વાંચો : ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આકરા પગલાં લો, લાયસન્સ સસ્પેન્ડ કરો: ગુજરાત હાઇકોર્ટ
હાઇકોર્ટે એક પછી એક મુદ્દાઓ હાથ ધર લીધા છે અને અદાલત આ સમગ્ર મામલે ગંભીર છે. તેથી તેમાં કોઇ બાંધછોડ નહી ચાલે. અમે છેલ્લી છ સુનાવણીથી બઘુ જોઇ રહ્યા છે પરંતુ કોઇ જ સંતોષકારક કામગીરી થઇ નથી, તેથી નાછૂટકે અમારે સરકારના ઉપરોકત બે ઉચ્ચ અધિકારીઓને આ મામલે જવાબ આપવા માટે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ બોલાવવા પડે છે.
પોલીસ-અમ્યુકોએ સખ્તાઇથી કામ લેવું જ પડશે, નહી તો નિરાકરણ નહીં આવે
હાઇકોર્ટે રાજય સરકારને માર્મિક ટકોર સાથે યાદ દેવડાવ્યું હતું કે, અગાઉ (જસ્ટિસ એમ.આર.શાહ હતા એ વખતે ) ટ્રાફિક, ગેરકાયદે પાર્કિંગ મુદ્દે સંપૂર્ણ નિયંત્રણ કરી શકાયુ હતુ પરંતુ હવે કોણ જાણે કેમ પરિસ્થિતિ પાછી જૈસે થે બની ગઇ છે. કેમ..? કોઇ કારણ જણાતુ નથી છતાં કેમ સમસ્યાઓ વકરી છે તે અમને ખબર પડતી નથી. સરકારે બચાવ કર્યો કે, વાહનો વઘ્યા છે..જેથી હાઇકોર્ટે જણાવ્યું કે, સાયન્ટીફિક મેથડ શું છે તમારી પાસે આ સમસ્યાના નિરાકરણ માટે..? જો તમને મૂળ કારણ જ ખબર નહી હોય તો તમે સમસ્યાનું નિવારણ કેવી રીતે કરશો...? તમારા તરફથી કોઇ હળવાશ નહી ચલાવી લેવાય. તમારે સખ્તાઇથી કામ લેવું જ પડશે નહી તો, આનું કોઇ નિરાકરણ નહી આવે.