હવે અમદાવાદથી સાળંગપુર માત્ર 40 મિનિટના અંતરે, દાદાના ધામ માટે હેલિકોપ્ટર સેવા શરૂ થશે, જાણો ભાડું
Ahmedabad To Sarangpur Helicopter Ride: અમદાવાદથી બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. અહેવાલો અનુસાર, કાંકરિયાથી સાળંગપુર મંદિર સુધી ડેઈલી હેલિકોપ્ટર સુવિધા શરૂ થવા જઈ રહી છે. નોંધનિય છે કે, અમદાવાદથી સાળંગપુર પહોંચતા અઢી કલાકથી વધુનો સમય લાગે છે. જો કે, આ હેલિકોપ્ટર સુવિધા શરૂ થયા બાદ માત્ર 40 મિનિટમાં જ પહોંચી શકાશે.
હેલિકોપ્ટર રાઈડનું ભાડું કેટલું હશે?
મળતી માહિતી અનુસાર, યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અમદાવાદથી સાળંગપુર સુધી હેલિકોપ્ટર રાઈડ મે મહિનામાં શરૂ કરી શકે છે. સાળંગપુર હનુમાનજી મંદિર તરફથી મંદિરથી 700 મીટરના અંતરે બે હેલિપેડ બનાવાયા છે. હેલિકોપ્ટર રાઇડના ભાડાની વાત કરીએ તો પ્રાથમિક માહિતી મુજબ આશરે રૂ. 30 હજાર જેટલું ભાડું હોઈ શકે છે. આ હેલિકોપ્ટરમાં છ લોકોની સિટિંગની ક્ષમતા હશે.
ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ વિકાસ બોર્ડ શ્રી નાથજી, અંબાજી, પાલીતાણા, સાળંગપુર, સોમનાથ, વડનગર, નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તલગાજરડા સહિતના યાત્રાધામોમાં હેલિકોપ્ટર રાઈડ શરૂ થઈ શકે છે.