ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: આગામી પાંચ દિવસ થશે મેઘમહેર
Gujarat Rain News : ચોમાસાએ પોતાનું જોર પકડ્યું છે, તેવામાં રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ, ઉત્તર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતમાં બહોળા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. તો ચાલો જાણીએ કયા વિસ્તારમાં કેવો છે વરસાદી માહોલ.
દક્ષિણ પૂર્વ વિસ્તારોમાં ધોધમાર પડશે વરસાદ
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે, તેવામાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તેવામાં આજે(28 જૂન)ના રોજ રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. જેમાં આજે સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા-નગર હવેલી, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, અરવલ્લી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ થવાની આગાહી સાથે લોકોને સતર્ક રહેવા ચેતવણી આપી હતી.
સૌરાષ્ટ્ર, દક્ષિણ-પશ્રિમ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં રાજ્યમાં જોરદાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સુરત, નવસારી, વલસાદ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ પશ્રિમ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી હતી. તેવામાં મધ્ય ગુજરાતમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ધીમે ગતીએ વરસાદ પડશે તેમ જણાવ્યું હતુ.
કઈ તારીખે કયા જિલ્લાઓમાં કેવો રહેશે વરસાદી માહોલ
28 જૂન શુક્રવારના રોજ સુરત, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ પડશે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર આંણદ, ભરુચ, નર્મદા, તાપી, ડાંગ, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં નહિવત પ્રમાણમાં વરસાદી માહોલ રહેશે.
આગામી પાંચ દિવસ માટે વરસાદી માહોલનો ચિતાર
29 જૂન શનિવારે નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાયના જિલ્લાઓમાં ઓછી માત્રમાં વરસાદની અસર રહેશે.
30 જૂન રવિવારના દિવસે, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસશે. આ ઉપરાંત, બાકીના અન્ય જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ ઓછી જણાશે.
01 જુલાઈના સોમવારે વલસાડમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. આ સિવાય, સુરત, નવસારી, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે બાકીના અન્ય જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ નહીવત જોવા મળશે.
02 જુલાઈ મંગળવારના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદી માહોલ ઓછી રહેશે.
ઉપરાંત, રાજ્યના ઉત્તર પૂર્વ ભાગોમાં સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. જ્યારે દક્ષિણ પશ્રિમ ભાગોના કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં એસ જી હાઇવે, પ્રહલાદનગર, જોધપુર, વેજલપુર વગેરે વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં કેટલાંય લાંબા સમયના બફારા બાદ લોકોને ઠંડક મળતા રાહત અનુભવાઈ છે.
નવસારીના વિવિધ વિસ્તારોમાં પડ્યો જોરદાર વરસાદ
લાંબા સમયના વિરામ પછી રાજ્યમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. તેવામાં નવસારીના તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં વાંસદા, ગણદેવી, ચીખલી અને ખેરગામ સહિતના તાલુકામાં ખેતી કરવા જેવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, ડાંગરની ખેતી કરતા ખેડૂત હજુ પણ સારો વરસાદ વરસે તેની રાહ જોઈ રહ્યા છે. તેવામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ સિંચાઈ માટે કેનાલમાં પાણીના વહેણ શરુ કરવા અપીલ કરી હતી.
ગીર સોમનાથમાં NDRF-SDRF ટીમને તૈનાત
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથમાં NDRF-SDRF ટીમને તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગની કરવામાં આવેલી આગાહી સામે સતર્ક રહેવા અને સંભવિત વરસાદી પરિસ્થિતિ સામે સાવચેતી દાખવવા માટે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. જેમાં ડે. કલેક્ટર સાથે મળીને NDRFની ટીમો દ્વારા લો લાઈન એરિયામાં મુલાકાત લઈને પૂરા આવ્યા પહેલા પાળ બાંધવા જેવું કામ કરી રહ્યાં છે. આ સાથે, સ્થાનિક લોકોમાં વરસાદી સ્થિતિમાં કઈ કઈ સાવચેતી રાખવી અને પોતાના બચાવ કઈ રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
દરિયાકાંઠાના જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયુ
હવામાન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને વલસાડ સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.