રાજ્યમાં આગામી છ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવે કયા જિલ્લામાં ખાબકશે
Heavy Rain In Gujarat: રાજ્યમાં ઑગસ્ટના પહેલા સપ્તાહથી હળવાથી મધ્યમ વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજ્યમાં આગામી છ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે આજે (21 ઑગસ્ટ) ભારે વરસાદને પગલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યમાં 26 ઑગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે 27 ઑગસ્ટે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ડાંગના આહવામાં 93 મિ.મી., નવસારીના ચિખલીમાં 78 મિ.મી., છોટા ઉદેપુરના કવાંટમાં 75 મિ.મી., સુરતના પલસાણામાં 67 મિ.મી., નર્મદાના નાંદોદમાં 62 મિ.મી., ભાવનગરના ગારિયાધરમાં 61 મિ.મી., છોટા ઉદેપુર અને છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં 58 મિ.મી., ભરૂચમાં 53 મિ.મી., તાપીના ડોલવણમાં 51 મિ.મી., ખેડાના ગલતેશ્વરમાં 50 મિ.મી. વરસાદ ખાબક્યો છે.
22 ઑગસ્ટની આગાહી
રાજ્યમાં ઑગસ્ટ મહિનાની શરૂઆતથી છૂટાવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાથે ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે ઑગસ્ટના છેલ્લા સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં 22 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય, રાજ્યના મોટાભાગના જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાત સહિત 16 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ
23 ઑગસ્ટની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેશે. જેમાં 23 ઑગસ્ટના દિવસે રાજ્યના દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 30 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
24 ઑગસ્ટની આગાહી
24 ઑગસ્ટે રાજ્યના દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
25 ઑગસ્ટની આગાહી
ઑગસ્ટ મહિના છેલ્લા અઠવાડિયામાં મેઘરાજા મહેરબાન રહેશે. જેમાં 25 ઑગસ્ટે મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : હજુ પાંચ દિવસ વરસાદની સંભાવના નહિવત્, અમદાવાદમાં સતત બીજા દિવસે 36 ડિગ્રીથી વધુ તાપમાન
26 ઑગસ્ટની આગાહી
હવામાન વિભાગના આગાહી પ્રમાણે, રાજ્યમાં સતત પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે. આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ભરુચ અને વડોદરા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટા જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
27 ઑગસ્ટની આગાહી
રાજ્યમાં સતત પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પછી આ દિવસે (27 ઑગસ્ટ) દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.