ગુજરાતમાં મેઘકહેર વચ્ચે હવામાન વિભાગે કરી ફરી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં કઈ તારીખે પડશે વરસાદ
Gujarat Rain IMD Forecast : રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે, ત્યારે અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે (29 ઑગસ્ટે) કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં રેડ ઍલર્ટ, ગીર સોમનાથમાં ઓરેન્જ ઍલર્ટ અને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આવતી કાલે (30 ઑગસ્ટે) કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો : અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં થશે ભેગી, વરસાદ મચાવશે તરખાટ
છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 295 મિ.મી., કચ્છના અબડાસામાં 275 મિ.મી., દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 263 મિ.મી., ખંભાળીયામાં 225 મિ.મી., દ્વારકામાં 215 મિ.મી., કચ્છના લખપતમાં 226 મિ.મી., નખત્રાણામાં 203 મિ.મી., માંડવીમાં 182, જામનગરના જામજોધપુરમાં 218 મિ.મી, વરસાદ ખાબક્યો છે.
આવતી કાલની (30 ઑગસ્ટ) આગાહી
30 ઑગસ્ટે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકશે. જેમાં કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 26 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
31 ઑગસ્ટની આગાહી
રાજ્યમાં સતત ત્રણ દિવસ કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે, ત્યારે 31 ઑગસ્ટે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 1 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2-3 સપ્ટેમ્બરની આગાહી
સપ્ટેમ્બર મહિનાની શરુઆતથી રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદને લઈને નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે, જ્યારે રાજ્યમાં 4 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાશે. જેમાં 2 સપ્ટેમ્બરે વડોદરા અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : વડોદરા પર હવે રોગચાળાનું જોખમ, હેલ્થ વર્કર્સની 87 ટીમો કાર્યરત, 200 ટીમો દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સની કામગીરી શરૂ
બીજી તરફ, 3 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે, ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
4 સપ્ટેમ્બરની આગાહી
આગામી 4 સપ્ટેમ્બરે રાજ્યના આઠ જિલ્લામાં ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 25 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
ભારે પવન ફૂંકાવવાની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે (29 ઑગસ્ટે) દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. બીજી તરફ, આવતી કાલે (30 ઑગસ્ટે) ગુજરાતના દરિયાકાંઠે, પાકિસ્તાનના તટ અને પૂર્વોત્તર સહિત તેની આસપાસના પૂર્વ મધ્ય અરબ સાગરના વિસ્તારોમાં 55થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવવાની સાથે વાવાઝોડું થવાની શક્યતા છે.
આ પણ વાંચો : પૂરગ્રસ્ત વડોદરાની વહારે ભારતીય સેનાના જવાનો, રાહત સામગ્રી સાથે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 47 લોકોનું કર્યું રેસ્ક્યુ
ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સાથે પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. અતિભારે વરસાદને લઈને અનેક લોકો પ્રભાવિત થયા છે, જ્યારે કેટલાક લોકો મોતને ભેટ્યા છે. આ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે કેટલાય અંતરિયાળ ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. બીજી તરફ, NDRF અને સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ ઑપરેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વરસાદના કારણે 35 લોકોના મોત થયા છે.
જામનગર જિલ્લાના 71 ગામો પૂરગ્રસ્ત હાલતમાં
મળતી માહિતી પ્રમાણે, છેલ્લા ચાર દિવસથી સતત ખાબકી રહેલા ભારેથી અતિભારે વરસાદના લીધે રાજ્યના અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે ગઈ કાલે (28 ઑગસ્ટે) રાત્રેથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે જામનગર જિલ્લાના 71 ગામો પૂર ગ્રસ્ત હાલતમાં છે. જિલ્લામાં પૂર ગ્રસ્ત સ્થિતિથી અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હોવાથી સ્તાઓ ધોવાઈ ગયા છે.
17 હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું
NDRF અને SDRFની સાથે સાથે સેના, વાયુસેના અને કોસ્ટગાર્ડ પુરથી પ્રભાવિત વિસ્તારમાં બચાવ અને રાહત અભિયાન ચલાવી રહ્યાં છે, ત્યારે અત્યાર સુધી 17800 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અનુસાર, આ ચોમાસામાં અત્યાર સુધી 41 હજારથી વધુ લોકોને અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવામાં આવ્યાં છે. જ્યારે 3000થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે.