કુદરતનો કેર: જૂનાગઢમાં અનેક ગામો જળમગ્ન, કેડસમા પાણીમાંથી નીકાળી સ્મશાન યાત્રા
Junagadh Rains : રાજ્યમાં વરસાદે જોર પકડ્યું છે. તેવામાં જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર થયો છે. જેમાં ઘેડ પંથકમાં તો જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. આ સાથે જિલ્લાના અનેક ગામમાં ધોધમાર વરસાદ પડતાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે પીપલાણા ગામમાં પૂર જેવી સ્થિતિ ઉભી થતાં ગામજનો કેડસમા પાણી માંથી સ્મશાન યાત્રા નીકાળવા મજબૂર બન્યાં હતાં.
જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખતાં વરસાદ સામે સ્થાનિકો લાચાર બન્યાં છે. ત્યારે માણાવદર તાલુકના પીપલાણા ગામમાં ધોધમાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ ઉભી થઈ હતી. ચારેયકોર બહોળા પ્રમાણમાં પાણી ભરાયાં હોવાથી સ્થાનિકોને ખૂબજ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મહિલાની અંતિમ યાત્રા કેડસમા પાણીમાંથી નીકાળી
આ દરમિયાન, પીપલાણા ગામમાં એક મહિલાનું અવસાન થતા પૂરના પાણી વચ્ચેથી તેમની અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડી છે. પૂરના પાણીમાંથી મહિલાની અંતિમ ક્રિયા માટે અર્થી લઈને પસાર થવા ગામલોકો લાચાર બન્યાં હતાં. અંતિમ યાત્રા માટે પણ ફાયર બ્રિગેડની મદદ લેવાતા વહીવટી તંત્ર દ્વારા બોટની વ્યવસ્થા કરી આપી હતી. પરંતુ પાણીના વધુ પડતાં વહેણના કારણે બોટનો ઉપયોગ કરી શકાયો ન હતો. જેનાં લીધે ગામજનોને કેડસમા પાણીમાંથી અંતિમ યાત્રાના નિકાળવાની ફરજ પડી હતી.
33 જેટલા ગામો સંપર્ક વિહોણા
જૂનાગઢમાં વરસાદી પરિસ્થિતિને પગલે કલેક્ટર દ્વારા જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના અનેક ગામમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે 50 જેટલાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. જ્યારે ઘેડ પંથકના 33 જેટલાં ગામડાઓ સંપર્ક વિહોણા બન્યાં છે. જોકે, કોઈજ પ્રકારની જાનહાની પહોંચી નથી. પાણીના વધુ પડતાં વહેણના વિસ્તારોમાં તંત્ર દ્વારા ટીમો તૈનાત કરવામાં આવી છે.