ગુજરાતનાં અનેક ગામો જળમગ્ન : અહીં 4 જ કલાકમાં આઠ ઈંચ વરસાદ, અનેક જિલ્લાઓમાં રેડ ઍલર્ટ
Heavy Rains in Saurashtra and North Gujara : રાજ્ય સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ, રાજકોટ, જામનગર અને અમરેલી સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે કેટલાંક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં જૂનાગઢમાં ખતરનાક વરસાદ પડ્યો હોવાથી ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના લાખણીમાં મેધરાજાએ ધબળાટી બોલાવતા 4 કલાકમાં જ 8 ઈંચ વરસાદ પડ્યો હતો.
બનાસકાંઠાના લાખણીમાં મેઘરાજાનો તાંડવ
રાજ્યમાં ઠેર-ઠેર વરસાદે પોતાનું જોર પકડ્યું છે. તેવામાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. જેમાં બનાસકાંઠાના લાખણીમાં 2 કલાકની અંદરમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યાના અંદરમાં લાખણીમાં ધોધમાર વરસાદને પગલે 8.3 વરસાદ ખાબકો હતો. ભારે વરસાદને કારણે લાખણીના નીચાણવાળા વિસ્તાર સહિત અનેક બજારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. જેને લઈને સ્થાનિકોને વાહનવ્યવહારમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વધુ વરસાદને પગલે ખેતરો બેટ સમા થયા
બનાસકાંઠાના લાખણીમાં 4 કલાકની અંદરમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. તેવામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. બહોળા પ્રમાણમાં વરસાદી માહોલ હોવાથી ખેતરો બેટમાં ફેરવાયાં હોય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી.
157 થી વધુ તાલુકામાં વરસાદની પકડ
રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. તેવામાં સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યાની સુધીમાં રાજ્યના 157થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં હવામાન વિભાગ દ્વારા નવસારી, સુરત, વલસાડ સહિતના દક્ષિણ ભાગોમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.