ભારે વરસાદે અગ્નિદાહ પણ અટકાવ્યો, જામનગરના સ્મશાનગૃહમાં સાત ફૂટ પાણી ભરાયું, લાકડા સહિતનો સામાન તણાયો
Jamnagar Heavy Rain Affected : જામનગરના આદર્શ સ્મશાનગૃહમાં ભારે વરસાદના કારણે પૂરના પાણી ઘૂસી જતાં અંતિમ ક્રિયા માટેની બન્ને ભઠ્ઠીઓને ભારે નુકસાન થયું છે, ત્યારે 1200 મણ લાકડા તણાઈ ગયા છે અને 10 હજાર નંગ જેટલા છાણા પલળી ગયા છે. આ દરમિયાન સ્મશાન વ્યવસ્થા કમિટી દ્વારા સાફ-સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ, જામનગર જિલ્લાના હાલ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના 7 અને પંચાયત હસ્તકના 47 માર્ગો પાણીના ઓવરટેપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.
આદર્શ સ્મશાનગૃહમાં સાત ફૂટ જેટલું પાણી ભરાયું
જામનગરના નીચાણવાળા વિસ્તારમાં આવેલું માણેકબાઈ સુખધામ આદર્શ સ્મશાનગૃહમાં સાત ફૂટ જેટલું પાણી ભરાઈ જવાથી આખું પરિસર સરોવરમાં ફેરવાઈ ગયું હતું. સ્મશાનગૃહની બન્ને ભઠ્ઠીઓમાં પાણી ભરાઈ જવાથી ભારે નુકસાન થયું હતું. જ્યારે ઇલેક્ટ્રિક પેનલ સહિતની તમામ યંત્ર સામગ્રી પાણીમાં ગરકાવ થઈ હતી. તેવામાં ભારે વરસાદી માહોલ વચ્ચે અગ્નિદાહની પ્રક્રિયા છેલ્લા બે દિવસથી અટકી પડી છે.
200 મણ લાકડા અને 10 હજાર નંગ છાણાનું નુકસાન
સ્મશાનગૃહની વ્યવસ્થા કમિટી દ્વારા એકત્ર કરીને રાખેલા અંદાજે 1200 મણ લાકડા તણાઈ જતાં ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત 10 હજાર નંગ છાણા પલળી ગયા છે, જેથી હાલ લાકડાથી પણ અગ્નિદાહની પ્રક્રિયા અશક્ય બની છે. સ્મશાનગૃહમાં રેકડી તથા અન્ય કેટલીક સામગ્રી તણાઈને આવવાની સાથે એક ગાય અને બે ભેંસ મરેલી હાલતમાં તણાઈને આવી છે. આ દરમિયાન આદર્શ સ્મશાન વ્યવસ્થાપક કમિટીના સેક્રેટરી દર્શનભાઈ ઠક્કર સહિતની ટીમ દ્વારા સ્મશાનગૃહમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી. જ્યારે આદર્શ સ્મશાનગૃહમાં દેવી દેવતાઓ ઉપરાંત મહાનુભાવો સહિતની પ્રતિમાઓ આવેલી છે, આ પ્રતિમાઓ સાથે લાકડાંઓ ટકરાતાં પ્રતિમાઓને પણ નુકસાન થયું છે.
આ પણ વાંચો : ગુજરાતના આ 12 જિલ્લામાં કાલે રેડ એલર્ટ, હજુ છ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ આગાહી
સ્ટેટના 7 અને પંચાયત હસ્તકના 47 માર્ગો ભારે વરસાદના કારણે બંધ
જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી છે. કોઝવે, નાળા કે પુલ પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા અનેક માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે પડી ગયેલા વૃક્ષો સહિતની અડચણો દૂર કરવા દિવસ-રાત કામગીરી કરવા માટે કાર્યપાલક ઇજનેર વિજય ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ અધિકારીઓની લાયઝન ઑફિસરોની ટીમ જે.સી.બી., ટ્રેક્ટર સહિતની મશીનરીઓ સાથે માર્ગોને પુનઃકાર્યાન્વિત કરવા પ્રયાસ કરી રહી છે. જામનગર જિલ્લાના હાલ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના 7 અને પંચાયત હસ્તકના 47 માર્ગો પાણીના ઓવરટેપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે આ માર્ગો પરથી પ્રવાસ ન કરવા તથા સતર્ક રહેવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.