મેઘરાજાનો કહેર યથાવત્, આજે ગુજરાતના 51 તાલુકાને ઘમરોળ્યા, રાજકોટમાં સાડા ચાર અને જૂનાગઢમાં સાડા ત્રણ ઈંચે જળબંબાકાર
Heavy Rain In Gujarat : રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જામનગર, બોટાદ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ ખાબક્યો છે. જેમાં રાજકોટના લોધિકા તાલુકામાં 4.53 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢના માળિયા હાટિનામાં 3.50 ઈંચ અને મેંદરડામાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યના 51 તાલુકામાં વરસાદ ખાબક્યો
આજે (20 ઑક્ટોબર) સાંજના છ વાગ્યા સુધીમાંં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કુલ 51 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં રાજ્યના 17 તાલુકામાં એક ઈંચથી સાડા ચાર ઈંચ સુધી અને અન્ય 34 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકા તાલુકામાં પડ્યો છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક વિસ્તારો થયા પાણી-પાણી, નદી-ડેમ છલકાયા
આવતી કાલની આગાહી
આવતી કાલે (21 ઑક્ટોબર) સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ પણ વાંચો : અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદનો કહેર, ખેડૂતોના પાકને ભારે નુકસાન
રાજ્યમાં વાવાઝોડાની શક્યતા!
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ છેલ્લા બે દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસમાં વાવાઝોડાની શક્યતા દર્શાવી છે. તેમણે કહ્યું કે, 'આગામી 22 ઑકટોબરથી અંદમાન નિકોબાર ટાપુમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનવાથી 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક ગતિનું વાવાઝોડું થવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં દિવાળીના તહેવારથી ઠંડી પડવાની શરૂ થશે.'