મેઘરાજાએ અમદાવાદ ઘમરોળ્યું, 7 ઇંચ વરસાદ, પ્રથમ વરસાદે જ તંત્રની કામગીરી 'પાણીમાં'
Heavy Rain In Ahmedabad: અમદાવાદમાં આખરે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને રવિવારે (30મી જુન) ગોતા-સાયન્સ સિટી બોપલમાં 7 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં સરેરાશ વરસાદ 3 ઈંચ નોંધાયો હતો. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન દર વર્ષની જેમ આ વખતે પણ પાણીમાં બેસી ગયો છે. અનેક વિસ્તારે પાણીમાં ગરકાવ થઈ ગયા એને જમીનની અંદર એક ગામ વસી શકે તેવા મસમોટા ભૂવા પણ પડ્યા હતા.
શેલામાં તોતિંગ ભૂવો પડયો
શેલામાં ઓર્કિડ સ્કાય પાસે ક્લબ ઓ 7 તરફ જવાના રસ્તે એક ટ્રક સમાઈ જાય તેવો મસમોટી ભૂવો પડયો હતો. જેના કારણે એક તરફનો રોડ બંધ કરવો પડ્યો હતો. આ મોટા ભૂવો જ તંત્ર દ્વારા કામગીરીમાં કેટલી કુચાશ રાખવામાં આવી હશે તેનો બોલતો પુરાવો હતો.
આ પણ વાંચો: LIVE: ગુજરાતમાં ચોમાસું જામ્યું, 211 તાલુકામાં 6 ઈંચ સુધી વરસાદ, 25 જિલ્લામાં આગાહી
અમદાવાદમાં રવિવારે બપોર બાદ જવાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ તૂટી પડ્યો હતો. નોર્થ વેસ્ટઝોનમાં સૌથી વધુ 5.27 ઈંચ, સાઉથ વેસ્ટ ઝોનમાં 5.06 ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. સેન્ટ્રલ ઝોનમાં ૧.૩૭ જ્યારે ઈસ્ટ ઝોનમાં 1. 65 ઈંચ સાથે સૌથી ઓછી વરસાદ હતો. ભારે વરસાદથી સાયન્સસિટી, ગોતા, બોપલના અનેક વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર. ભારે વરસાદથી મીઠાખળી, અખબાર નગર, મકરબા, ચાંદલોડીયા ખાતેના અંડરપાસ થોડો સમય માટે બંધ કરાયા હતા.