લાંબા વિરામ બાદ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો, 2 અંડરપાસ બંધ કરાયા, ઠેર-ઠેર ટ્રાફિક જામ
Ahmedabad Rain Update : છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતાં ભારે ઉકળાટ અને બફારો થઈ ગયો હતો. જેના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના સરખેજ, પ્રહ્લાદનગર, ઇસ્કોન, બોપલ, ગોતા, એસ. જી હાઇવે સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. વરસાદના લીધે એસ.જી હાઇવે સહિત શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા.
શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારો અને રોડ પણ પાણી ભરાયા હતા. જેના લીધે સ્કૂલના બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં મ્યુનિ. કર્મચારીઓ ગટરોના ઢાંકણા ખોલી પાણી કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદના લીધે અખબાર નગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે.
જાણો શું છે હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ઑગસ્ટના પહેલા અઠવાડિયાથી હળવાથી મધ્યમ વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ પડશે. માછીમારોને પણ દરિયામાં ન જવા માટે ઍલર્ટ કરવામાં આવ્યા છે.
આજે આ જિલ્લામાં યલો ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. આજે (22 ઑગસ્ટ) દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
23થી 25 ઑગસ્ટની આગાહી
23મી ઑગસ્ટના દિવસે રાજ્યના દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 30 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. 24મી ઑગસ્ટે નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 25મી ઑગસ્ટે મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
26મી ઑગસ્ટની આગાહી
26મી ઑગસ્ટે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ભરુચ અને વડોદરા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
27મી ઑગસ્ટની આગાહી
27મી ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.