Get The App

કેદારનાથમાં ફસાયેલા 17 ગુજરાતી શ્રદ્ધાળુઓના રેસ્ક્યુ, ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં હાહાકાર

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
17 Gujarati devotees were rescued in Kedarnath


Heavy Rain in Uttarakhand: કેરળના વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 300થી વધુ લોકોના મૃત્યુ થયા છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. કેદારનાથમાં ભારે વરસાદના પગલે મંદિર તરફ જતાં સોનપ્રયાગ અને ગૌરીકુંડ માર્ગ વચ્ચેના માર્ગ ધોવાઈ ગયા છે. આ દરમિયાન કેદારનાથ ધામની યાત્રાએ પહોંચેલા અરવલ્લીના 17 જેટલા શ્રદ્ધાળુઓ વરસાદ અને ભૂસ્ખલનને કારણે ફસાઈ ગયા હતા. જો કે, આ તમામ શ્રદ્ધાળુઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.

કેદારનાથમાં અરવલ્લીના 17 શ્રદ્ધાળુઓ ફસાયા હતા

મળતી માહિતી અનુસાર, ગુજરાતના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરે કેદારનાથમાં ફસાયેલા અરવલ્લીના 17 જેટલા શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવા ઉત્તરાખંડના તંત્ર સાથે તાત્કાલિક સંકલન કર્યું હતું. રૂદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહીને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓને સલામત રીતે સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા હતા. 

4000થી વધુ શ્રદ્ધાળુઓ રેસ્ક્યુ કરાયા

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. ટિહરી અને કેદારનાથના નૌતર વિસ્તાર સહિત રાજ્યના વિવિધ સ્થળોએ છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. ભારે નુકસાન થયું છે. ભારે વરસાદ બાદ કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. રાત્રિ દરમિયાન પણ બચાવ કામગીરી ચાલુ રહી છે. હેલિકોપ્ટર દ્વારા અને પગપાળા ચાલતાં રેસ્ક્યુ ઑપરેશનમાં અત્યાર સુધીમાં 4000થી વધુ શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ઓગષ્ટ-સપ્ટેબર મહિનામાં ગુજરાતમાં વરસાદ ઓછો પણ ગરમી વધુ રહેશે, ઉનાળા જેવો થશે અહેસાસ


કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શ્રદ્ધાળુઓ સાથે વાત કરી

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે (બીજી ઑગસ્ટ) કેદારનાથમાં વાદળ ફાટવાને કારણે ત્યાં ફસાયેલા શ્રદ્ધાળુઓ સાથે ટેલીફોનિક વાત કરી હતી. ગ્વાલિયર, શિવપુરી અને બાદરવાસના કેદારનાથમાં ફસાયેલા શ્રદ્ધાળુઓ સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું, 'હું અહીં છું... હું બધાને સુરક્ષિત નીચે લાવીશ.' તેમણે આ મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે.

કેદારનાથમાં ફસાયેલા 17 ગુજરાતી શ્રદ્ધાળુઓના રેસ્ક્યુ, ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં હાહાકાર 2 - image


Google NewsGoogle News