સુરતમાં સવારથી સાંબેલાધાર વરસાદ: દોઢ ઈંચ વરસાદમાં જ કેડસમા પાણી ભરાતાં લોકોમાં રોષ
Surat Rain Updates: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે આજે (5 જુલાઈ) સુરત શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી સારો એવો વરસાદ પડ્યો છે. જેમાં શહેરના વરાછા, ચોકબજાર, સિંગણપોર, અઠવાગેટ સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. તેવામાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ, નોકરી-ધંધો કરવા જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હરી દર્શન પાસે કમર સુધીના પાણી ભરાયાં, તંત્રને અનેક રજૂઆત છતાં મૌન
શહેરના સિંગણપોર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેવામાં માત્ર એકથી દોઢ ઈંચના વરસાદમાં હરી દર્શનના ખાડા પાસે કમર સુધીના પાણી ભરાતાં વાહન ચાલકો અને શાળાએ જતા બાળકો સહિત સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ અવારનવાર ધારાસભ્ય, કોર્પોરેટર અને ઝોનના અધિકારીને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જ્યારે આજુબાજુમાં શાળા અને ટ્યૂશન ક્લાસિસ હોવા છતાં તંત્ર દ્વારા બેદરકારી રાખવામાં આવે છે. આ ઉપરાંત, શાળાએ જતાં બાળકો, કામધંધો કરવા જતાં લોકો અને રાહદારીઓ સહિત અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત કોઝવે ઓવરફ્લો થયો, વાહન વ્યવહાર બંધ
બીજી તરફ, સુરત કોઝવે ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યું છે. આમ 12 કલાકની અંદરમાં ભયજનક સપાટી ઉપર કોઝવેની 6.41 મીટર જેટલી સપાટી થતાં ઓવરફ્લો થયો હતો. આ બાદ તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.