અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત-કચ્છમાં ભારે વરસાદની કરી આગાહી, જાણો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત-કચ્છમાં ભારે વરસાદની કરી આગાહી, જાણો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે 1 - image


Ambalal Patel Rain Forecast : રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે, ત્યારે ફરી એકવાર ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ બેટીંગ શરુ કરી દીધી છે. 25 ઑગસ્ટથી 30 ઑગસ્ટ દરમિયાન રાજ્યમાં ખાબકેલા ધોધમાર વરસાદે વડોદરા અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના કેટલાક ભાગોને જળબંબાકાર કરી દેતાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે આજથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભારેથી હળવા વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મહેસાણા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે રાજ્યમાં હવે ધીમે ધીમે વરસાદની ગતિમાં ચોક્ક્સ ઘટાડો થશે. 

તેમણે જણાવ્યું હતું કે વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં ફંટાતા વરસાદની ગતિ ઘટશે. આજથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્વિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, જ્યારે મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં વરસશે. 

બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતાં 10 સપ્ટેબરે ડીપ ડિપ્રેશન સર્જાશે, જેથી 12થી 22 સપ્ટેમ્બર દરમિયાન ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ડીપ ડિપ્રેશન સર્જાતાં પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 

આ પણ વાંચો :  ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

આજે (પાંચમી સપ્ટેમ્બર) સવારથી જ બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાના વિજાપુરમાં 2.17 ઇંચ,  મહેસાણામાં 1.57 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.42 ઇંચ અને બનાસકાંઠાના ડીસામાં 1.38 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરના માણસામાં 1.30 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1.22 ઇંચ અને ધનસુરામાં 1.10 ઇંચ, પોશીનામાં 1.06 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે મહેસાણા હાઇવેના અંડરપાસમાં  પાણી ભરાયા હતા અને શોપિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાયા હતા.

અહીં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો 

સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વડાલી, તલોદ, વિજયનગર, ઇડર, હિંમતનગર, મહીસાગરના કડાણા, અરવલ્લીના મેઘરજ, માલપુર, મહેસાણાના જોટાણા, સાંતલપુર, કડી, વિસનગર, ખેરાલુ, પાટણના હારીજ, સિદ્ધપુર, પાટણ શહેર, બનાસકાંઠાના લાખણી, પાલનપુર, દાંતા, વડગામમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે  (પાંચમી સપ્ટેમ્બર) બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્ર-કચ્છના અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છઠ્ઠી સપ્ટેમ્બર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાતમી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

સાતમીથી આઠમી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના જિલ્લા નવસારી, વલસાડ, બનાસકાંઠા, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે નવમી સપ્ટેમ્બરે વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.


Google NewsGoogle News