દક્ષિણ બાદ ઉત્તર-મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ, નડિયાદમાં વીજળી પડતાં એકનું મોત
Heavy Rains In Gujarat : રાજ્યમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે સવારના 6 વાગ્યથી 8 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટને પગલે સુરતના ઉપરપાડામાં પોણા 14 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આણંદમાં માત્ર બે કલાકમાં અઢીં ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાંક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ચાલો જાણીએ કયા જિલ્લામાં કેવો રહેશે વરસાદી માહોલ.
રેડ એલર્ટ હેઠળના જિલ્લાઓ
રાજ્યમાં વરસાદની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઓરન્જ એલર્ટ હેઠળના જિલ્લાઓ
દક્ષિણ ગુજરાત બાદ રાજ્યમાં વરસાદની અસર ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ થઈ છે. જેમાં આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, વડોદરા, ખેડા, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
યલો એલર્ટ હેઠળના જિલ્લાઓ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સુરતના ઉમરપાડામાં પોણા 14 ઈંચ વરસાદ પડ્યો
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના ઉમરપાડામાં પોણા 14 ઈંચ, ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વર અને નાંદોદમાં પાંચ ઈંચ, તિલકવાડામાં સવા ચાર ઈંચ, સાબરકાઠાના વિજયનગરમાં પાંચ ઈંચ, પંચમહાલના ગોઘરામાં પોણા ત્રણ ઈંચ, વડોદરાના સિનોર, પાટણના રાધનપુર, આણંદ, અરવલ્લીના ભિલોડા, સાબરકાંઠાના હિમતનગર, આણંદના તારાપુર, સુરેન્દ્રનગરના લખતરમાં બેથી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.
આ વિસ્તારોમાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો
મહેસાણાના બેચરાજી, અરવલ્લીના મેઘરાજ, વડોદરાના કરજણ, અમદાવાદ શહેર, સુરેન્દ્રનગરના લીંબડી, આણંદના ખંભાત, મહીસાગરના સંતરામપુરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અમરેલીના સાવરકુંડલા, સાબરકાંઠાના ઈડર, પાટણના હારીજ, સુરેન્દ્રનગરના વઢવાણ, ખેડાના ગલતેશ્વર, વડોદરાના ડભોઈ, આણંદના પેટલાદ, ખેડાના વસોમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે કચ્છના ભુજ, વડોદરાના સાવલી, ખેડાના મહેમદાવાદ, દાહોદના સંજેલી, અમદાવાદના બાવળા, ભાવનગરના તળાજા, વડોદરાના વાઘોડિયા, પાટણના સિદ્ધપુર, ખેડાના નડિયાદ, પંચમહાલના મોરવા, અને મહિસાગના ખાનપુરમાં સવા એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
નડિયાદના ઠાસરામાં વીજળી પડતાં 13 વર્ષની કિશોરીનું મોત
આજે (15 જુલાઈ) દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની સાથે વીજળી પડવાની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના નડિયાદ, ઠાસરા, ગળતેશ્વર, વસો સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયો વરસાદી માહોલ રહ્યો હતો. આ દરમિયાન ઠાસરાના પીપલવાડાના વિસ્તારમાં વીજળી પડતા 13 વર્ષની કિશોરનું મોત થયું હતું. ત્યારબાદ ઠાસરા પોલીસ દ્વારા ઘટનાની નોંધ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
21 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ : હવામાન વિભાગ
હવામાન વિભાગે આગાહી કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 21 જુલાઈ સુધી મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર સહિતના ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની સાથે ઝડપી પવન ફૂંકાવવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આગામી 48 કલાકને લઈને અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 'આગામી 48 કલાકમાં રાજ્યમાં અતિભારે વરસાદને લઈને નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે. આ સાથે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ રહેશે. આ સાથે અમદાવાદના મોટાભાગના વિસ્તારો અને તાલુકામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.'